શામળાજી : ટ્રકની ડ્રાઈવર સીટ પાછળ સંતાડીને ઘુસાડાતો ૨.૨૪ લાખનો શરાબ કબ્જે



શામળાજી : લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારો શરાબની અને રૂપિયાની રેલમછેમ કરી મતદારોને રીઝવવા પ્રયત્ન કરશે લોકસભાની ચૂંટણીને લઈને વિદેશી શરાબની ડિમાન્ડને પહોંચી વળવા બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરી રહ્યા છે. શામળાજી પોલીસે અણસોલ ગામ પાસેથી ટ્રકની ડ્રાઈવરની સીટ પાછળ ગુપ્તખાનું બનાવી પોલીસની આંખોમાં ધૂળ નાખવાના કીમિયાને નિષ્ફળ બનાવી ગુપ્તખાનામાં છુપાવેલા વિદેશી શરાબનો ૨.૨૪ લાખનો વિદેશી શરાબ પકડી પાડી ટ્રક ડ્રાઈવરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. શામળાજી પીએસઆઈ કે.વાય.વ્યાસ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પાસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતા રાજસ્થાન બાજુથી શંકાસ્પદ ઝડપથી પસાર થતા ટ્રક ગાડી નંબર. જીજે 20 વી 8672  ને અટકાવી તલાસી લેતા ટ્રક ડ્રાઇવરની સીટ પાછળ ગુપ્તખાનું મળી આવ્યું હતું. ગુપ્તખાનામાં થપ્પા બંધ વિદેશી શરાબની પેટી-૪૭ બોટલ નંગ-૫૬૪ કિંમત રૂ.૨,૨૪,૪૦૦ નો જથ્થો કબ્જે કરી ટ્રક ડ્રાઈવર ગુલાબસિંગ પ્રતાપસિંગ રાણાવત (રહે,ગટેલા,રાજસ્થાન) ની અટક કરી ટ્રકની કિંમત રૂ.૮,૦૦,૦૦૦ તથા મોબાઈલ-૧ કીંમત રૂ.૨,૦૦૦ મળી કુલ રૂ.૧૦,૨૬,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકમાં વિદેશી શરાબ ભરી આપનારો ડુંગરપુર (રાજ) ના બુટલેગર રાજુ નામના ઈસમ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. ગુજરાત સહીત અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દ્વારા ગાંધીના ગુજરાતમાં ઘુસાડાતો વિદેશી શરાબનો જથ્થો પકડી પાડવામાં સફળ રહે છે પરંતુ શરાબ મંગાવનારનું નામ પર હંમેશા સસ્પેન્શની મહોર લાગી હોય તેમ પોલીસતંત્રના સ્થાનિક બુટલેગર પકડવામાં હાથ ટૂંકા પડી રહ્યા હોય તેમ મોટાભાગના કિસ્સામાં બુટલેગરોના નામ જ ખુલતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *