ભચાઉનાં માય ગામના ખેડૂત સાથે બે શખ્સે કરી છેતરપિંડી
ભચાઉના માય ગામમાં રહેનાર ખેડૂત એ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આધેડે ટ્રક લીધી હતી અને એચ.ડી.બી. ફાયનાન્સ ગાંધીધામમાંથી તેની રૂા. 12,42,000ની લોન પણ લીધી હતી. જાતે ડ્રાઇવિંગ કરનાર આ ફરિયાદીથી લોનના હપ્તા ભરાય તેમ ન હોતા આથી તેમણે ગાડી વેચવાની હતી. તે દરમ્યાન, મોરબીના શખ્સે ગાડી લેવા જણાવ્યું હતું. રૂા. 13,27,028માં સોદો નક્કી થયો હતો. આ શખ્સે આઠેક દિવસ સુધી ગાડી રાખી અમને ગાડી મોંઘી પડશે તેમ કહી ગાડી પરત આપી દીધી હતી, બાદમાં પોતાના ઓળખીતા વ્યક્તિને ગાડી લેવાની વાત કરી હતી. આ વ્યક્તિ અહીં આવતાં ગાડી જોઇ પસંદ કરી રૂા. 13,27,028માં સોદો નક્કી કરાયો હતો. ફરિયાદીને રૂા. 80,000 આપી બેંકની લોનના બાકીના હપ્તા પોતે ભરી નાખશે તેવું લખાણ નોટરી સમક્ષ કરાયું હતું, પરંતુ બાદમાં આ શખ્સોએ લોનના હપ્તા ન ભરતાં બેંકવાળા ફરિયાદી ને હપ્તા માટે હેરાન કરતાં હતા. ગત તા. 28/12/2023ના બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી