ભચાઉના લાકડીયા નજીક ઈકો કાર અને ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત 6 નાં કરૂણ મોત ત્રણ સારવાર હેઠળ
copy image

ભચાઉ તાલુકાના લાકડિયા નજીક બપોરના આરસામાં લોકસભાની ચૂંટણીના પરિણામની પળો વચ્ચે ટ્રેઈલર અને ઈકો કાર સામ-સામે ભટકાતાં ગોંડલ તાલુકાના લેવા પાટીદાર સમાજના એક જ કુટુંબના પાંચ લોકો તથા કાર ચાલકનાં મોતથી ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી. એક જ કુટુંબના સભ્યોની એકીસાથે લાશ જોઈ કઠણ હૃદયના લોકો પણ રડી પડયા હતા. ભચાઉના લાકડિયા નજીક પુલ ઉપર ચારમાર્ગીય રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે, જેનાં પગલે આ માર્ગને વનવે કરી દેવામાં આવ્યો છે. આ વેળાએ ઢળતી બપોરે આ ગમખ્વાર અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સૌરાષ્ટ્રના ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના લેવા પટેલ સમાજના એક જ પરિવારના સભ્યો ભાડેથી ઈકો કાર કરી રાપરના મોરાગઢ ખાતે મોમાય માતાજીનાં દર્શને ગયા હતા. ત્યાંથી દર્શન કરીને પરત રાજકોટ બાજુ જઈ રહ્યા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ જીવલેણ અને ગોઝારા બનાવમાં ઘવાયેલાઓને સારવાર અર્થે લઈ જવાયા હતા, જ્યારે પાંચ લોકોનાં બનાવ સ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈકો કાર રાજકોટ બાજુ જઈ રહી હતી. વનવે ઉપર સામેથી આવતા ટ્રેઈલરમાં ધડાકાભેર આ ગાડી ભટકાઈ હતી, જેમાં ગાડીનો ભૂકો બોલી ગયો હતો અને ગાડીમાં બેઠેલા તમામને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગમખ્વાર અકસ્માત બાદ વનવે માર્ગ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસે લોકોના સહયોગથી અકસ્માતગ્રસ્ત વાહનો બાજુએ મૂકી ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો. આ માર્ગ પર અકસ્માત કરતી વેળાએ દિશા સૂચન બોર્ડ કે અન્ય કોઈ ચિહ્ન મૂકવામાં આવ્યા નહોતા. જેના કારણે લોકોને પોતાની મહામૂલી જિંદગી ખોવાનો વારો આવતો હોય છે, તેવું જાણકાર લોકોએ જણાવ્યું હતું.