વાયોરના સેવાગ્રામનાં સાત મકાનનાં તાળાં તૂટયાં : ત્રણ લાખના  મુદ્દામાલની ચોરી

copy image

copy image

 ભુજની પોલીસ લાઈનને તસ્કરોએ નિશાન બનાવ્યાના બનાવના લખાણની હજુ શાહી સૂકાઈ નથી, ત્યાં ફરી એક વખત રાત થી  સવાર સુધી અબડાસાના વાયોરના સેવાગ્રામમાં તસ્કરોએ તરખાટ મચાવી સાત મકાનનાં તાળાં તોડયાં  હતાં,  જેમાં એક મકાનમાં કુલે રૂા. 2,97,000ની મતા ચોરાયાની ફકરિયાદ નોંધાઈ હતી , જ્યારે અન્ય છ મકાનના રહેવાસીઓ  રજા પર હોવાથી તેઓનાં મકાનમાંથી કેટલા મુદ્દામાલની ચોરી થઈ છે તેની વિગતો જાહેર થઈ નથી. આમ આ સામૂહિક  ચોરીનો આંક વધવાની પૂરી સંભાવના છે. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના માઈન્સ મિકેનિકએ વાયોર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ કંપનીની ટાઉનશિપ સેવાગ્રામમાં રહે છે.  રાતના  12 વાગ્યે રૂમના દરવાજાને તાળું મારી તેઓ  રાબેતા મુજબ પરિવાર સાથે બિલ્ડિંગની છત પર સૂવા ગયા હતા. સવારના  છ વાગ્યે પુત્ર ચાવી લઈ નીચે આવતાં  દરવાજાનું તાળું તૂટેલું હોઈ રાડારાડી કરી હતી, જેથી આખા પરિવારે નીચે આવીને જોતાં સામાન વેરવિખેર પડયું  હોવાથી ચોરી થયાનું સામે આવ્યું હતું. ફરિયાદીનાં મકાનમાં લોખંડના કબાટમાંથી સોનાંનું મંગળસૂત્ર આશરે દશ  ગ્રામ ખરીદ કિં. રૂા. 6,000, સોનાંનો હાર બે તોલા કિં. રૂા. 94,000, કાનની બુટી કિં. રૂા. 14,000, સોનાંની બે વીંટી રૂા. 33,000, પેંડલ કિં. રૂા. 60,000, નાકની નથ કિં. રૂા. 1,000, ચાંદીની પાયલ-બંગડી અને વાસણો કિં. રૂા. 29,000  તેમજ રોકડા રૂા. 60,000 એમ કુલે રૂા. 2,97,000ના મુદ્દામાલની ચોરી થયાનું જણાવ્યુ હતું . ફરિયાદીએ  સિક્યુરિટી  ગાર્ડ અને એક પડોશીને ચોરીની જાણ કર્યા બાદ સેવાગ્રામ ટાઉનશિપના અન્ય છ બંધ મકાનનાં તાળાં અને નકૂચા  તૂટયાનું સામે આવ્યું હતું . આ બંધ મકાનના રહેવાસીઓ હાલ રજા ઉપર હોઈ તેઓનાં મકાનમાંથી કેટલા મુદ્દામાલની  ચોરી થઈ તેની ફરિયાદીને જાણ ન હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. વાયોર પોલીસે ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.