ભચાઉમાં પગપાળા જતા યુવાનને છરી ભોંકી ચેઈનની લૂંટ
copy image

મીઠીરોહર નજીક બે યુવાનોને લૂંટી લેવાયાના બનાવ બાદ ભચાઉમાં એક યુવાન પર છરી વડે હુમલો કરી ચેઈન લૂંટી લેવાઈ હતી તેમજ તે પહેલાં ચોપડવા નજીક એક ચાલક પાસેથી મોબાઈલ લૂંટી લેવામાં આવ્યો હતો. ભચાઉ નજીક ગોલ્ડ હોટેલ પાસે રહી ગેરેજની દુકાન ચલાવતા યુવાન ગત તા. 4/6ના રાત્રે દુકાન બંધ કરી આ હોટેલમાં જમવા ગયો હતો. ત્યાંથી જમી પરવારીને તે રોડ પર વોકિંગ કરી રહ્યો હતો. તે દરમ્યાન એક બાઈક ઉપર 20થી 25 વર્ષીય ત્રણ અજાણ્યા શખ્સો આવી મોબાઈલ આપી દેવા ધમકી આપી હતી. જેની ના પાડતાં બે શખ્સોએ યુવાનને પકડી લીધો હતો, જ્યારે એક શખ્સે છરી કાઢી ફરિયાદીને છાતી, પેટ અને પીઠના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, જેમાં આ યુવાન ઢળી પડતાં લૂંટારુઓએ રૂા. 6000ની ચાંદીની ચેઈનની લૂંટ કરી નાસી ગયા હતા. તેવામાં ફરિયાદી ઊભો થઈ હોટેલમાં ગયો હતો , જ્યાં ચોપડવા નજીક ટ્રકચાલકને માર મારી તેની પાસેથી પણ રૂા. 5000નો મોબાઈલ આ શખ્સોએ લૂંટી લીધો હોવાનું બહાર આવ્યું હતું. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. મીઠીરોહર અને ભચાઉની લૂંટના આરોપી હાથવેંતમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું