ગાંધીધામમાં 55 હજારની વિદેશી ઈ-સિગારેટ સાથે શખ્સની ધરપકડ
copy image

ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ રૂા. 55,400ની વિદેશી સિગારેટ સાથે એક શખ્સની અટક કરી હતી. આ વિદેશી માલ તે મુંબઇથી લઇ આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીધામના ગુરુકુળ 10-એ વિસ્તારમાં પ્લોટ નંબર 282, 283, ટેનામેન્ટ નંબર 8માં રહેનાર શખ્સની પોતાના મકાનમાં વિદેશી સિગારેટ લાવીને રાખી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે રાતના આરસામાં કાર્યવાહી કરી હતી. આ મકાનમાંથી શખ્સને પકડી પાડી તેને સાથે રાખી મકાનની અંદર તપાસ કરાતાં વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. આ મકાનમાંથી મેઇડ ઇન ચાઇના અને મેઇડ અન્ડર ઓફ કોરીઆ લખેલ જુદા-જુદા ફલેવરની ઇ-સિગારેટના 58 પેકેટ તથા વિદેશી સિગારેટના છ પેકેટ એમ કુલ્લ રૂા. 55,400નો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગુરુકુળ વિસ્તારમાં જ પ્લોટ નંબર 235, 236માં આવેલી પોતાની સહા પાન નામની દુકાનમાં રાખી આ શખ્સ સિગારેટનું વેચાણ કરવાનો હતો. તેમજ આ જથ્થો તેણે મુંબઇ ઉલ્લાસ નગર, મનીષ માર્કેટની બાજુમાં કાપડ માર્કેટમાંથી એક શખ્સ પાસેથી ખરીદ્યો હોવાનું પોલીસ તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું.