ખીરસરામાં જીવતા વીજતાર પડતાં આઠ પશુએ જીવ ગુમાવ્યા
નખત્રાણા તાલુકાના ખીરસરા ગામની વાડીમાંથી પસાર થતી ભેંસો પર જીવતા વીજતાર પડતાં એક ગાય તથા સાત ભેંસનાં મોત નીપજ્યાં હતાં, જેના કારણે પશુપાલકોને આશરે રૂા. 10 લાખનું નુકસાન થયું હતું. આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ, ખીરસરા-નેત્રા માર્ગ પર આવેલી એક વાડીમાં ભેલાણ માટે ગયેલા પશુ પર હાઈવોલ્ટેજ જીવંત વાયર પડતાં એક શખ્સની 3 ભેંસ અને 1 ગાય, તેમજ વાઘેલા મગન દેવજીની 2, બડિયા ભીમજી પૂંજા તથા બડિયા ગોવિંદ જખુની 1-1 ભેંસનાં મોત થયાં હતાં. વીજશોકની આ ઘટનાથી લોકોએ પીજીવીસીએલ તંત્રને જાણ કરતાં દોઢેક કલાક બાદ ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. આ બાબતે ગામના સરપંચએ જણાવ્યું હતું કે, બપોરના અરસામાં ભેંસો પાણી પીને ચરવા જતી હતી તે વેળાએ આ ઘટના બની હતી. પશુપાલકએ જણાવ્યું હતું કે, જીઈબીની બેદરકારીના આ ઘટના બની છે. તાજેતરમાં વીજતાર તૂટવાના કારણે શ્વાનો સહિતનાં પશુઓનાં મોત થયાં હતાં.પશુપાલકો દૂધનું વેચાણ કરીને ગુજરાન ચલાવતા હતા, તેમની આવક બંધ થતાં આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે તેમ જણાવ્યું હતું. નખત્રાણા પોલીસે બનાવની જાણવાજોગ નોંધ કરીને પંચનામાં સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .