રાજપર વાડી વિસ્તારમાંથી બે શખ્સ પકડાયા, બે ફરાર
copy image

માંડવીનાં રાજપર ગામમાં સવારના આરસામાં બે શંકાસ્પદ શખ્સને લોકોએ હિંમત દાખવીને પકડી પાડયા હતા. આ બંનેને ગઢશીશા પોલીસના હવાલે કરાતાં પૂર્વ કચ્છ એલ.સી.બી.ની ટીમ તેમને લઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. ગઢશીશા નજીકનાં રાજપર ગામમાં વહેલી પરોઢે બે શખ્સની શંકાસ્પદ હિલચાલ જણાતાં ગામના જાગૃત નાગરિકોએ બંને શખ્સને બોલાવી પૂછપરછ કરવા માંડતાં એક શખ્સ દ્વિચક્રિય વાહન લઈને નાસવા લાગ્યો હતે, જેનો પીછો કરીને લોકોએ તેને પકડી પાડયો હતો. તે દરમ્યાન બીજો શખ્સ ગામમાં જ કોઈના વરંડામાં આવેલા બાથરૂમમાં પુરાઈ ગયો હતો. ગ્રામજનોએ ખૂબ જ હિંમત દાખવીને બંને શખ્સને પકડી પાડયા હતા. બંનેની સખ્તાઈથી પૂછપરછ કરી અંગ ઝડતી કરાતાં તેમની પાસેથી એક મોટો છરો અને ફોન મળી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે આ શખ્સો વાયરચોર જણાયા હતા, જેથી લોકોએ ગઢશીશા પોલીસનો સંપર્ક કરી આ બંને શખ્સને પોલીસના હવાલે કરી દીધા હતા. આ પકડાયેલા બે શખ્સ સાથે અન્ય બે શખ્સ પણ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. જે બે શખ્સ ગઢશીશા વિસ્તારના વાડી વિસ્તારમાં હતા અને બાદમાં ત્યાંથી નાસ્યા હતા. આ પકડાયેલા શખ્સો કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ અંજારમાં થયેલી લૂંટનાં પ્રકરણમાં આ શખ્સો તો સંડોવાયેલા નથી ને તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પકડાયેલા આ બંને શખ્સને પૂર્વ કચ્છ એલ.સી.બી.ના હવાલે કરાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. અંજારનાં પ્રકરણમાં આ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે તપાસ બાદ જ બહાર આવે તેમ છે.