સુરત જિલ્લાના તાલુકા મથક મહુવાના પ્રસિદ્ધ જૈન મંદિરમાંથી લાખોની તસ્કરી
સુરત જિલ્લાના તાલુકા મથક મહુવા ખાતે બાહ્મણ ફળિયાના ભરચક વિસ્તારમાં આવેલા અતિપ્રસિદ્ધ શ્રી૧૦૦૮ શ્રી વિધ્નેશ્વર પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરમાંથી ગત રાત્રિના અરસામાં પાછળના ભાગથી ઘૂસેલા તસ્કરો એક સાથે ૬૦૦ થી ૮૦૦ વર્ષ જૂની પંચધાતુની ૨૦ જેટલી અતિમૂલ્યવાન મૂર્તિઓ અને ૯ જેટલા સોનાનું પાણી ચઢાવેલા ચાંદીના છત્રો તસ્કરી કરી જવાના બનાવથી જૈન સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મહુવાના ખુબ જ પ્રસિદ્ધ વિધ્નેશ્વર જૈન મંદિરમાં ગત રાત્રના અરસામાં મંદિરના પાછળના ભાગે પૂર્ણા નદી તરફથી ઘૂસેલા તસ્કરો જૈન મંદિરમાં શ્રી ૧૦૦૮ વિધ્નેશ્વર પાર્શ્વનાથ દિગમ્બર જૈન ચંદ્રપ્રભુજીની પ્રતિમા, એક આદિનાથ ભગવાનની પ્રતિમા ઉપરાંત તેના ઉપર ચાંદીનું સોનાનું કોટિંગ કરેલા ત્રણ છત્રો અને તે દરેકના નીચે ત્રણ મળી કુલ ૯ છત્રો કિંમત રૂ. ૧૫,૦૦૦ની તસ્કરી કરી ભાગી ગયા હતા. જૈન મંદિરમાંથી ચોરવામાં આવેલી કુલ ૨૦ જેટલી પ્રતિમાઓ અતિમૂલ્યવાન હોય તેની કિંમત પોલીસ ફરિયાદમાં પણ આંકવામાં આવી નથી. મહુવા ટાઉનમાં ચારેતરફ વસ્તીથી ઘેરાયેલા અતિપ્રસિદ્ધ વિધ્નેશ્વર પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓ અને 9 જેટલા સોનાના આવરણ ચઢાવેલા છત્રો ચોરાઇ જવાના બનાવ સંદર્શે ફરિયાદ લઇ મહુવા પોલીસે સી.સી.ટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.