દેશમાં મોદી : સતત ત્રીજી વખત PM
લોકસભા ચૂંટણી 2024ના દેશમાં લોકશાહીના ઐતિહાસિક અવસરે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં સતત ત્રીજીવાર વડાપ્રધાન પદે શપથ લેતા નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરુની સિદ્ધિની બરાબરી કરી છે. ટોચના ઉદ્યોગપતિઓ, પડોશી દેશના ટોચના નેતાઓ, બોલીવૂડ સીતારાઓ, મહાનુભાવો સહિત 8000ની ઉપસ્થિતિમાં વડાપ્રધાન સહિત ઉપરાંત 30 કેબિનેટ મંત્રી, પાંચ રાજ્યમંત્રી અને 36 રાજ્ય કક્ષાના મંત્રીએ શપથ લીધા હતા. મોદી સરકાર 3.0માં ઉત્તરપ્રદેશ અને બિહારનો દબદબો જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને હરિયાણાના પૂર્વ સી.એમ. મનોહરલાલ ખટ્ટરે પણ શપથ લીધા હતા. ચૂંટણી નહીં લડેલા નિર્મલા સીતારામને કેબિનેટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. ગુજરાતથી સી. આર. પાટિલ, મનસુખ માંડવિયા, નીમુબેન બાંભણિયાને સ્થાન મળ્યું હતું જ્યારે પુરુષોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણની બાદબાકી થઇ હતી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ રવિવારથી એનડીએની નવી ગઠબંધન સરકારની રચના થઈ છે. રાજધાની દિલ્હીમાં સજ્જડ સુરક્ષા વચ્ચે રાષ્ટ્રપતિ ભવન ખાતે નવી સરકારનો શાનદાર શપથગ્રહણ સમારોહ રવિવારે સાંજે 7:1પ કલાકથી શરૂ થયો હતો.. ભાજપને પૂર્વ બે લોકસભા ચૂંટણીની તુલનાએ સ્પષ્ટ બહુમત મળ્યો ન હોવાથી એનડીએના સહારે સરકારમાં કેબિનેટમાં કેટલાક મોટા બદલાવ જોવા મળ્યા છે. નીતીશ અને નાયડુ સહિત નાના સહયોગી દળોના સાંસદો કેબિનેટમાં સામેલ થયા છે. નવી સરકારમાં સહયોગી દરેકને રાજી રાખવા પ્રયાસ કરાયો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 6 વાગ્યાથી શપથવિધિ સમારોહનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો અને દુનિયાભરમાંથી 8000 ખાસ મહેમાનો આ અવસરના સાક્ષી બન્યા હતા, જેમાં રાજકીય, સામાજિક, ધાર્મિક સહિત અલગ અલગ ક્ષેત્રના આગેવાનો તથા ઉદ્યોગપતિઓ, ફિલ્મી કલાકારો, ખેલાડીઓ સાથે શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમાસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોઇજ્જુ, સિસલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીફ, બાંગલાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનુથ, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ, ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગેએ આમંત્રણને માન આપી હાજરી આપી હતી. સફેદ કુર્તા અને પાયજામા સાથે ભૂરા રંગના જાકિટમાં સજ્જ વડાપ્રધાન પછી, તુરંત જ રાજનાથ સિંહ, અમિત શાહ અને નીતિન ગડકરીએ શપથ લીધા હતા. આજે સાંજે શપથ ગ્રહણ કરનારા પ્રધાનોને નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને સવારે ચા-પાણી માટે આમંત્ર્યા હતા. આ સમતોલ પ્રધાનમંડળમાં દેશનાં બધાં રાજ્યો અને એનડીએના ઘટક પક્ષોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન થયો છે.