ધ્રોબાણામાં ૧૨ વર્ષીય કિશોર ને લોખંડના સળિયાથી માર માર્યાની પોલીસ ફરિયાદ
copy image

ભુજ તાલુકાના ધોબાણા ગામમાં સળિયા ચોરી કર્યા હોવાની શંકા સાથે ગામના જ શખ્સે ૧૨ વર્ષિય બાળકને હુશેનીવાંઢ શાળામાં લઇ જઈને સળિયાથી માર માર્યો હતો. આ મામલે ખાવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ૧૨ વર્ષિય બાળકના પિતાએ ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તા.૭ જુનના તેઓ ઘરે હતા ત્યારે પુત્ર ઘરે આવ્યો હતો અને કહ્યું કે, હું તથા ગામના બીજા છોકરાઓ હુશેનીવાંઢ સ્કુલ પાસે રમતા હતા ત્યારે ગામનો જ આરોપી ત્યાં આવ્યો હતો અને કહ્યું કે, તેં મારી બેઠકમાંથી સળિયા કેમ ચોરી કર્યા છે તેથી બાળકે કહ્યું કે, મેં કોઈ ચોરી કરી નથી તેથી આરોપી તે બાળકને શાળાની અંદર લઈ ગયો હતો અને લોખંડના સળિયાથી પીઠના ભાગે, બંન્ને પગની પાછળના ભાગે, ડાબા પગમાં ઘુંટણથી નીચેના ભાગે બેફામ માર માર્યો હતો. આ ઉપરાંત ગાળો આપીને સળિયા પરત આપી દેવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેથી સગીરના પિતાએ સગીરને ખાવડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જોકે આ દરમયાન ગામના આગેવાનોએ સમાધાન કરવાનું કહીને ફરિયાદ નહીં કરવા જણાવ્યું હતું. જોકે સાંજ સુધી સમાધાન કરવા માટે કોઈ નહીં આવતાં ખાવડા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આઇપીસી ૩૨૩, ૨૯૪(બી), ૫૦૬(૨) સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.