ભારાપરમાં સૂતેલા આધેડ ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો
ભારાપરમાં વાડીએ સૂતેલા એક આધેડ ઉપર લોખંડના પાઇપથી આડેધડ હુમલો કરી બાદમાં તેમને મારી નાખવાના ઇરાદે પાણીના કૂવામાં ફેંકી દેવાતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.કિડાણાની શ્રીરામ સોસાયટીમાં રહેતા મૂળ ભીમાસરના શખ્સ ભારાપરના શખ્સ પાસે ડ્રાઇવિંગનું કામ કરે છે. ફરિયાદીને શેઠના અન્ય ટેન્કર ચલાવતા શખ્સે શેઠએ મને નોકરીમાંથી કાઢી મૂક્યો છે, જેમાં તારો હાથ છે. નવા ડ્રાઇવરને પણ જોઇ લઇશ તેમ કહી ફરિયાદીને જાતિ અપમાનિત કર્યા બાદ રાત્રે ભારાપરમાં સૂતા હતા ત્યારે રાતના આરસામાં આરોપી ત્યાં લોખંડના પાઇપ લઇ આવી સૂઇ રહેલા આધેડ ઉપર આડેધડ હુમલો કરી ફરિયાદીનો મોબાઇલ પણ લઈ ગયો હતો. જેથી આધેડ કોઇનો સંપર્ક કરી શકતા નહોતા અને પીડાના કારણે કણસતી હાલતમાં સૂઇ રહ્યા હતા. તે દરમ્યાન સવારના સાતેક વાગ્યે આ આરોપી પાછો ત્યાં આવ્યો હતો અને પીડાથી કણસતા આધેડને ઢસડીને પાણી ભરેલા કૂવામાં મારી નાખવાના ઇરાદે ફેંકી દીધો હતો. કૂવામાં પાણી હોવાથી આધેડ ફૂટવાલ્વ પકડીને રાડારાડ કરતા રહ્યા હતા. અડધો-પોણો કલાક બાદ એક શખ્સ આવતાં ફરિયાદીનો અવાજ સાંભળી અન્ય લોકોને મદદ માટે ફોન કર્યો હતો. એકઠા થયેલા લોકોએ કૂવામાં ખાટલો નાખી આધેડને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. હત્યાની કોશિશના આ બનાવમાં પોલીસે ગુનો નોંધી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.