મિરજાપર-મોટી ભાડઇના વાજબી ભાવના દુકાનદારને પુરવઠા માં ઘટ મુદે 87,000નો દંડ ફટકારાયો
ભુજ તાલુકાના મિરજાપર અને માંડવી તાલુકાના મોટી ભાડઇમાં આકસ્મિક ચકાસણી સમયે અનાજના જથ્થામાં ઘટ નજરે પડતાં બન્ને દુકાનદારોને 87734નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીધામ તાલુકાના ખારીરોહરમાં તો સસ્તા અનાજની દુકાનના સંચાલકનો પરવાનો કાયમી ધોરણે રદ્ કરી દેવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પાઠવાયેલી યાદી અનુસાર ભુજ તાલુકાના મિરજાપર ગામની વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારની દુકાનની આકસ્મિક ચકાસણીમાં ખાંડ, તુવેરદાળ તથા ચણાના જથ્થામાં કુલ્લ 793.20 કિ.ગ્રા.ની ઘટ જણાઇ આવતા નિયમો અનુસાર રૂા. 72,015નો દંડ કરવામાં આવ્યો હતો. માંડવી તાલુકાના મોટી ભાડઇ દુકાનના દુકાનદારની દુકાનની આકસ્મિક તપાસણીમાં ઘઉં, ચોખા, બાજરી, ખાંડ, તુવેરદાળ, નમક તથા ચણાના જથ્થામાં 175.80 કિ.ગ્રા.ની ઘટ જણાઇ આવતા રૂા. 15,719નો દંડ કરવામાં આવ્યો હતો તથા ડિપેઝીટની રકમ રાજ્યસાર કરવામાં આવી છે. આગામી સમયમાં આ પ્રકારની કડક કાર્યવાહીનો દોર જારી રાખવામાં આવશે.