પોલીસે બે સ્થળોએથી વરલી મટકાનો જુગાર રમતા ઝડપી પાડ્યો

ગાંધીનગર, કલોલ શહેરમાં ઠેર-ઠેર વરલી મટકાનો જુગાર ફુલ્યો ફાલ્યો છે. ત્યારે સ્થાનિક પોલીસે બે સ્થળોએ રેડ કરી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઇસમોને પકડી લીધા હતા. જો કે પોલીસના અવાર નવાર દરોડા બાદ પણ બેફામ બનેલી વરલી મટકાના આંક ફરકની જુગારની આ પ્રવૃત્તી અટકતી નહીં હોવાથી આશ્ચર્ય પણ સર્જાય છે. કલોલમાં ઠેર – ઠેર વરલી મટકાની બેફામ પ્રવૃતિ વચ્ચે શહેર પોલીસે બે સ્થળોએ દરોડા કર્યો હતો. જેમાં ગાયોના ટેકરા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાડતો જગદીશજી ભીખાજી ઠાકોરને રોકડ રૂપિયા ૧,૧૬૦ સાથે પોલીસે પકડી લીધો હતો. જ્યારે બીજા એક દરોડામાં પોલીસે મટવા કુવા નજીક દરોડો કરી વરલી મટકાનો જુગાર ચલાવતા અલ્લાહ રખ્ખાં કરીમભાઇ ઘાંચીને ૪૮૦ની રોકડ સાથે રંગે હાથે પકડી લીધો હતો. પોલીસે બંને જુગારીઓ પાસેથી જુગારનું સાહિત્ય પણ કબ્જે લીધું હતું. ઉલ્લેખનીય છે કે, કલોલ શહેરમાં ઠેર ઠેર વરલી મટકાના જુગારધામ ચાલે છે. ત્યારે પોલીસ સામાન્ય કેસો કરી સંતોષ માની રહી છે. ઘણા કિસ્સાઓમાં ખુદ જુગારીઓમાં જ ચર્ચા છે કે વરલી મટકાનું જુગારધામ ચાલતુ હોય ત્યાં જુગારીઓ જ સામેથી આવા સામાન્ય કેસો આપતા હોય છે. ત્યારે મહત્વની બીજી વાત એ પણ છે કે વરલી મટકાના જુગાર ધામ ઉપર પોલીસના દરોડા પડતા હોવા છતાં પણ ત્યાર બાદ જુગારની પ્રવૃત્તી ફરીથી શરૂ થઇ જતી હોવાથી આશ્ચર્ય પણ સર્જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *