અંજારના સોની વેપારી યુવાનનો રેલવે સ્ટેશને ઝેરી દવા ગટગટાવી આપઘાત
 
                copy image

અંજારની મચ્છીપીઠ વિસ્તારમાં થોડા મહિનાઓ પહેલાં બંગાળી કારીગરે કરોડોનું ફુલેકું ફેરવ્યાની ઘટનામાં અંજારના યુવા સોની વેપારીએ અંદાજે એક કરોડની મતા ગુમાવી હતી. દરમ્યાન યુવાને અંજાર રેલવે સ્ટેશન પર એકાંત સ્થળ પર પહોંચી ઝેરી દવા ગટગટાવી લેતાં તેમનું મૃત્યુ નીપજયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, અંજારમાં રહેતા મનીષભાઈ હરિલાલ બુદ્ધભટ્ટી નામના સોની વેપારી યુવાને થોડા મહિના પહેલાં બંગાળી કારીગરે અંદાજે એકાદ કરોડનો ચૂનો ચોપડીને ફરાર થઈ ગયો હતો, જેના પગલે સોની યુવાન ભારે મુશ્કેલી અનુભવી રહ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ બંગાળી કારીગરનો પોલીસ કોઈ પત્તો શોધી શકી નથી. આ દરમિયાનમાં મનીષભાઈ બુધવારે સાંજના અરસામાં અંજાર રેલવે સ્ટેશન પર પહાંરશી એકાંતવાળી જગ્યામાં બેઠા હતા અને ત્યાં જ કોઈ ઝેરી દવા ગટગટાવી જતાં તેઓ બાંકડા પર ઢળી પડતાં રેલવે સ્ટેશનમાં હાજર લોકોએ તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી અને તેઓએ હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે, મનીષભાઈનું સારવાર પૂર્વે જ મૃત્યુ નીપજ્યું હતું.બનાવના પગલે મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને યુવાને બંગાળી કારીગર સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પોલીસ યોગ્ય તપાસ કરી ન હોવાના આક્ષેપ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવતાં મૃતકના ભાઈએ કહ્યું હતું કે. જયાં સુધી બંગાળી કારીગરને પોલીસ પકડશે નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વિકારશું નહીં. બીજી બાજુ અંજાર સોની વેપારીઓમાં યુવાન સોની વેપારીના આપઘાતથી સોપો પડી ગયો હતો અને સોની બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.
 
                                         
                                        