મુળીમાં બંધ મકાનમાંથી રૂ.૧.૯૦ લાખની તસ્કરી
મુળીના વાલ્મિકી વાસમાં પરિવાર સગાને ત્યાં ખબર પુછવા ગયોને તસ્કરે ઘરમાં રહેલા ૧ લાખ રૂપિયા રોકડા તેમજ સોના-ચાંદીના ઘરેણા સહિત ૧.૯૦ લાખના મતાની તસ્કરી થયાની પોલીસ ફરિયાદ લખાવતા પોલીસે કાર્યવાહી આરંભી છે. બનાવની વિગત મુજબ મુળીના વાલ્મિકી વાસમાં રહેતા નવિનભાઈ લાભુભાઈ વાઘેલા પરિવાર સાથે રાજકોટ સગાને ત્યાં ખબર પુછવા ગયા હતા. આ તકનો લાભ લઈને તસ્કરોએ નવિનભાઈના બંધ મકાનને નિશાન બનાવીને હાથ સાફ કર્યો હતો. જયારે પરિવાર રાત્રક્ષ રોકાણ કરી બીજા દિવસે ઘરે આવી જોતા ઘરમાં માલ સામાન વેરવિખેર પડયો હતો. આથી આસપાસમાં રહેતા લોકોને બોલાવી તપાસ કરતા કબાટમાં રહેલ ૧ લાખ રૂપિયા રોકડા તેમજ સોનાનો હાર, ચેન, બુટી તેમજ ચાંદીના છડા સહિત ૧.૯૦ લાખનો મુદ્દામાલ ચોરાતા આ બાબતે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી પીએસઆઈ ડી.બી.ચૌહાણ ચલાવી રહ્યાં છે.