અંજારમાં બેટ અને પાઇપથી યુવાનની હત્યાનો પ્રયાસ

copy image

copy image

અંજારમાં પૈસા લેવા બોલાવી ચાર શખ્સોએ બેટ અને લોખંડના પાઈપ વડે ઢોર માર મારી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઇ હતી . મોટી નાગલપર રહેતા અને કુંવરજી મુળજી હડિયા નામની પીઢી ચલાવી રેતી અને કાંકરીનો સપ્લાય કરવાનો વ્યવસાય કરતા 27 વર્ષીય ટ્રાન્સપોર્ટર કીરણભાઈ કુંવરજીભાઈ હડિયાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, અંતરજાળ રહેતા કીરણભાઇ દેવદાનભાઈ બવાને રૂ.૩ લાખની કિંમતનું રેતી અને કાંકરીનું મટીરીયલ આપ્યું હતું જેની રકમ તેમની પાસેથી લેવાની હતી.તા.19/6 ના કિરણભાઈએ ફોન કરી યોગેશ્વર ચોકડી પાસે આવેલી ખાણ ખનિજ વિભાગની કચેરી પાસે રૂપિયા લેવા બોલાવ્યો હતો. ખાણ ખનિજ વિભાગની કચેરી પાસે પહોંચ્યા ત્યારે ત્યાં કીરણભાઈ હાથમાં લોખંડની ટામી લઈને ઉભો હતો તેની બાજુમાં ફરિયાદીનો ભાઇ વિપુલ પણ હતો. કીરણે તેમને તું અવાર નવાર રેતી કાંકરીના હિસાબની ઉઘરાણી કેમ કરે છે  તેમ કહી મારી નાખવાના ઇરાદે લોખંડની ટામી માથામાં ફટકારી હતી. બાજુમાં જ ઉભેલા પડાણાના દિલપેશભાઈ આહીરે પાઈપ વડે વાંસામાં વાર કર્યો હતો. તે સમયે ત્યાં હાજર બે અજાણ્યા ઇસમો પૈકી એકે બેટ ડાબા પગમાં ફટકાર્યું હતું તો બીજા અજાણ્યા ઇસમે ઢીકા પાટુનો માર મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો વિપુલભાઇ છોડાવવા આવ્યા તો તેની સામે પણ ઝપાઝપી કરી હવે જો રૂપિયા માગશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. તેમની ફરિયાદના આધારે પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી