ચોબારીમાં આડા સંબંધ મામલે વણોઈવાંઢના યુવાનની હત્યા

copy image

copy image

રાપર તાલુકાના વણોઈવાંઢના એક કોલી યુવાનને ચોબારી ગામની સીમ વિસ્તારમાં રહેતી પરિણીતા સાથેના પ્રેમસંબંધના કારણે ગુરુવારે મોડીરાત્રિના તેને મળવા જતાં પરિણીતાના સસરા, પતિ અને તેના ભાઈએ કોલી યુવાનને ઝડપી લઈ તેને ઘર પાસેના ઝાડ સાથે બાંધીને ધોકા વડે ત્રણેયે અસહ્ય માર મારી રહેંસી નાખ્યો હતો. જયારે ત્રણેયે યુવાનની સાથે આવેલા કૌટુંબિક ભાઈને ધોકા વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ભચાઉ પોલીસે હત્યાનો તેમજ મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધી ત્રણેય પિતા-પુત્રોને રાઉન્ડ અપ કર્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ રાપર તાલુકાના વણોઈવાંઢ ગામે રહેતા અશોકભાઈ હરજીભાઈ કોલી નામના ૨૫ વર્ષના યુવાનને ચોબારી સીમ વિસ્તારમાં રહેતા મોહન કાકડ કોલીની પુત્રવધૂ સાથે પ્રેમસંબંધ સ્થાપિત થયા પછી ગુરુવારે રાત્રિના અશોક અને તેનો કૌટુંબિક ભાઈ હરીશ અરજણ કોલીને સાથે લઈને ચોબારી ગામની સીમમાં રહેતી પરિણીતાને મળવા ગયો હતો. જ્યાં અશોક પરિણીતાને મળે તે પહેલાં જ મોહન કાકડ કોલી અને તેના પુત્રો હરેશ અને મોહને તેને ઝડપી લીધો હતો. બાદમાં ત્રણેય પિતા-પુત્રોએ અશોક હરજીભાઈ કોલીને દોરડા વડે ઘરના ઝાડ સાથે બાંધી દીધો હતો અને ત્રણેયે તેની સાથે આવેલા કૌટુંબિક ભાઈ હરીશને ધોકાનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં તે નાસી ગયો હતો અને આ અંગે ભચાઉ પોલીસને જાણ કરી હતી. બીજીબાજુ વહેલી સવાર સુધી ત્રણેય પિતા-પુત્રોએ ધોકા અને લાકડી વડે અશોકને અસહ્ય માર મારી તેને રહેંસી નાખ્યો હતો. સાથોસાથ ભચાઉના પી. આઈ. એસ.વી.ગોજિયા પણ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.આ દરમ્યાન હરીશ અરજણ કોલીએ ભચાઉ પોલીસમાં ત્રણેય પિતા-પુત્રો વિરુદ્ધ અશોકની હત્યા કરવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જયારે બીજીબાજુ પોલીસે હત્યા કરનારા મોહન કાકડ કોલી તેના પુત્રો હરેશ અને મોહનને રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.