ખારી રોહરમાં તલાક આપવા મુદ્દે બંદૂક તાકી મારી નાખવાની ધમકી

copy image

copy image

ગાંધીધામ તાલુકાના ખારી રોહર ગામમાં 13 શખ્સોએ પથ્થરમારો કરી બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ખારી રોહરમાં રહેનાર જેનબબાનુ તેનો પતિ મારકૂટ કરતો હોવાથી મહિલા પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા જ્યારે પાછળ ઘરે તેના ભાઇ એવા ફરિયાદી રફિક ઇબ્રાહીમ સાયચા, પિતા, દાદી, માતા હાજર હતા ત્યારે તેના બનેવી સિદિક કાસમ ટાંક, નૂરમામદ ઉર્ફે નૂરોગોલી દાઉદ ટાંક, મામદ કાસમ ટાંક, અલ્તાફ ઉર્ફે ભાલુ હાજી ટાંક, મામદ ઉર્ફે ટેણી નૂરમામદ ટાંક, હાજી સિદિક ઘરેચા, સુલ્તાન હાજી ટાંક, મૌસિન સલીમ ટાંક, મુસા દાઉદ ટાંક, કાસમ મુસા ટાંક, અમીનાબેન, ગઢ્ઢીઆઇ, શકિનાબેન ત્યાં આવ્યા હતા. આરોપીઓ પાસે ધારિયા- ધોકા હતા ત્યારે જેનબબાનુને તલાક કેમ કરાવતા નથી તે વાતનું મનદુ:ખ રાખી પથ્થરમારો કર્યો હતો. બાદમાં નુરાગોલીએ નાની બંદૂક ઇબ્રાહીમ સાયચા સામે તાકી  તમને પતાવી દેવા છે તેમ કહ્યું હતું. ફરિયાદીના  પરિવારે ગામના પટેલ  તથા પોલીસને ફોન  કરવાનું  કહેતાં  આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. પથ્થમારામાં ફરિયાદીને ઇજા પહોંચી  હતી તથા દાદીની તબિયત  બગડતા  બંનેને સારવાર અર્થે લઇ જવાયા હતા. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.