ભુજનાં લાંચ કેસમાં પૂર્વ નશાબંધી  અધીક્ષકને ચાર વર્ષની સખત કેદ

copy image

copy image

ભુજના લાંચ કેસમાં પૂર્વ નશાબંધી અધીક્ષકને અદાલતે તકસીરવાન ઠેરવીને ચાર વર્ષની સખત કેદની સજાનો આદેશ   કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, ભુજમાં રહેતા  બે મિત્રો પરમીટ રિન્યું કરાવવા માટે બહુમાળી ભવનમાં નશાબંધી અધીક્ષકની કચેરીએ ગયા હતા. જ્યાં નશાબંધી અધીક્ષક ચંદ્રેશભાઈ ડી. ત્રિવેદીને મળ્યા  હતા અને પરમીટ રિન્યુની બાબત  જણાવી હતી. આથી અધીક્ષક  ચંદ્રેશભાઈએ એક વ્યકિતના પરમીટર  રિન્યુ કરવાના રૂ.૨૫ હજાર અને બંનેના લાઈસન્સ રિન્યુ માટે રૂ.૫૦ હજારની  લાંચની માગણી કરી હતી. ત્યારપછી મોબાઈલ ફોન પર પણ તેઓએ લાંચની માગણીની રકમ કચેરીએ આવીને આપી જવાનું જણાવ્યું હતું. આ અંગે ફરિયાદી અને તેના મિત્રે ગત તા.૫/૪/૨૦૧૬ના રોજ એ.સી.બી. માં ફરિયાદ નોંધાવતાં એસીબીએ ભુજના બહુમાળી ભવનમાં આવેલી નશાબંધી અધીક્ષકની કચેરી પર છટકું ગોઠવ્યું હતું, જેમાં ફરિયાદી અને તેમનો મિત્ર અધીક્ષકની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં અધીક્ષક ચંદ્રેશભાઈ ડી. ત્રિવેદીને રૂ.૫૦,૦૦૦ની રકમ તેમની ઓફિસમાં આપી હતી. જે રકમ ચંદ્રેશભાઈએ તેમના ટેબલના જમણી બાજુના ખાનામાં રાખી હતી. દરમ્યાન એ.સી.બી.ની ટીમ દ્વારા રેડ કરી તપાસણી કરતાં ચંદ્રેશભાઈ ત્રિવેદીના ટેબલના ખાનામાંથી રૂ.પ૦ હજારની રોકડ કબજે કરી ચંદ્રેશભાઈ હતા. ત્રિવેદીની અટકાયત કરી હતી.આ દરમ્યાન નશાબંધી અધીક્ષક ચંદ્રેશભાઈ ત્રિવેદી સામેનો કેસ ભુજની સ્પેશિયલ એસીબી અદાલતમાં ચાલતાં અદાલતમાં પ્રોસિક્યુશન તરફે ૩૮ દસ્તાવેજી પુરાવાઓ અને ૬ સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. બાદમાં મેજિસ્ટ્રેટ દ્વારા નશાબંધી અધીક્ષકને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમન ૧૯૮૮ની કલમ ૭,૧૩, (૧) (ઘ) અને ૧૩(૨) મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવીને ચાર વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦ હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ છ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ખાસ સરકારી વકીલ એચ.બી.જાડેજા જોડાયા હતા