અંજાર, માનકૂવા અને પરજાઉના ત્રણ કેસમાં આરોપીઓના જામીન નામંજૂર

અંજાર પોલીસ મથકમાં નોંધાયેલા રૂા. 22,64,000ના ખનિજ ચોરી અંગેના કેસમાં આરોપી ધનાભાઈ  કરણાભાઈ રબારી  તથા નાગજીભાઈ આશાભાઈ રબારીની આગોતરા જામીન અરજી, તો માનકૂવા પોલીસ મથકમાં નોંધાયેલા લોનની રકમ છે છેતરપીંડીથી મેળવવાના કેસમાં આરોપી રિયાઝ રજાકભાઈ રાયમાની નિયમિત  જામીન અરજી અને  અબડાસા  તાલુકાના પરજાઉ ગામના એટ્રોસિટી કેસમાં આરોપી  અશોકસિંહ સામતસિંહ જાડેજાની નિયમિત જામીન અરજી નકારાઈ હતી. મોટી ચોરીના કેસમાં ફરિયાદીની ફરજમાં રુકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ પથ્થરમારો કરવાના કેસમાં આરોપીઓ પૈકી ધનાભાઈ રબારી અને નાગજીભાઈ રબારીએ કરેલી આગોતરા જામીન મેળવવાની અરજી અંગેની સુનાવણીમાં અંજાર સેશન્સ કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી અરજી નકારી હતી, તો માનકૂવાના કેસમાં ફરિયાદીની લોનની રકમ રૂા. 3,20,690 છેતરપીંડીથી પડાવી લેવાના કેસમાં બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીઓ પૈકીના  રિયાઝ રાયમાના નિયમિત જામીન નકાર્યા હતા.  બીજી તરફ અબડાસા તાલુકાના પરજાઉ ગામમાં  ગૌચર જમીનમાં  કરેલા દબાણ મામલે કરાયેલી અરજીનું મનદુ:ખ રાખી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં શરતોને આધીન મળેલા જામીનમાં શરતભંગ થતાં જામીન રદ કરવા અરજી કરાઈ હતી. આ કેસમાં  ભુજની સેશન્સ કોર્ટે બંને પક્ષે  દલીલ સાંભળ્યા બાદ અગાઉ આપેલા જામીન રદ કરી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.