વાગડમાં મેવાસા પાટિયાથી ઘાણીથર પાટિયા વચ્ચે ૭ લાખની પાણીચોરી પકડાઈ
વાગડ પંથકમાં મેવાસા પાટિયાથી ઘાણીથર પાટિયા વચ્ચે ધોરીમાર્ગ પાસે હોટેલ તથા અન્ય ધંધાર્થીઓએ સરકારી પાણીની લાઇનમાં ગેરકાયદેસર રીતે જોડાણ મેળવી પાણીની ચોરી કરતા 19 શખ્સો વિરુદ્ધ રૂા. 6,97,776ની પાણીચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ રાપરના નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે છેલ્લા બાર મહિનાથી ફરજ બજાવતા જિજ્ઞેશકુમાર કનૈયાલાલ પ્રજાપતિએ પાણીચોરી અંગે ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચિત્રોડથી આડેસર તરફ જતા ધોરીમાર્ગ ઘાણીથર પાટિયા સુધીના વિસ્તારમાં આવેલી અમુક હોટેલ તથા અન્ય ધંધાર્થીઓએ સરકારી પાણીની લાઇનમાં કાણાં પાડી તથા એરવાલ્વમાંથી 15 તથા 32 મિ.મી. વ્યાસના ગેરકાયદેસર જોડાણ મેળવી પાણીચોરી કરતા હોવાની રજૂઆત મળતાં આ ફરિયાદી અને ટીમ તપાસમાં ગઇ હતી. આવા જોડાણ મેળવનારાઓ પાસેથી આધાર-પુરાવા મગાતાં તે આપી શક્યા નહોતા. દરમ્યાન હરી ભુરા ગોહીલ તથા શક્તિ ઘનશ્યામ ખોડએ મેવાસા પાટિયા પાસે વાડી તથા સર્વિસ સ્ટેશન સંયુક્ત રીતે રૂા. 18,369ની પાણીચોરી કરી હતી. મનજી કોળીએ એચ.પી. પેટ્રોલપમ્પ-હોટેલ દર્શનમાં મેવાસા પાટિયાથી ગાગોદર તરફવાળી જગ્યાએ રૂા. 51,001ની પાણીચોરી કરી હતી. કાસમ શરીફ બાવલાએ સહયોગ હોટેલમાં જોડાણ લઇ રૂા. 83,597ની પાણીચોરી કરી હતી. પોકરરામ પુનિયાએ હનુમાન હોટેલના જોડાણ લઇ રૂા. 18,369ની પાણીચોરી કરી હતી. આદિલ મેમણ (હાઇવે ઇન હોટેલ) રૂા. 18,369, શફીક રહીમ માકુણીજિયા (ક્રિષ્ના હોટેલ) રૂા. 18,369, ખાનારામ સેવર રામદેવ હોટેલમાં તથા પમીભાઇ જાટ શિવશકિત હોટેલમાં, વિજયકુમાર લાલજી બાલાસરાએ ચામુંડા કૃપા હોટેલમાં જોડાણ મેળવી રૂા. 61,230ના પાણીની 60 દિવસ દરમ્યાન ચોરી કરી હતી. રામા મોતી ભરવાડે નવી બનતી હોટેલમાં જોડાણ મેળવી રૂા. 61,230 , મીતુ ચૌધરી જીંદજુલાના રોહતક હરિયાણા હોટેલ રૂા. 22,043, અખ્તર હુસેન દહેગલે ડી.એસ. સુપર મેવાતમાં રૂા. 61,230, હનુમાનરામ સિયાગએ ગણેશ ચૌધરી હોટેલ રૂા. 40,808, દુદારામ પ્રજાપતિ બજરંગ આઇમાતા હોટેલમાં રૂા. 40,808, કિશન પ્રજાપતિ કૃષ્ણા આઇમાતા હોટેલ તથા ઓમપ્રકાશ રાજપુરોહિત મારુતિ મહાદેવ હોટેલ -ઘાણીથર પાટિયા પાસે રૂા. 1,00,310 તથા મુબારક દિનાખાન સિંધીએ રહુમા રાજસ્થાન હોટેલ રૂા. 40,808 અને સુમેરસિંઘ ગુજ્જરે દેવકૃપા શેખાવતી હોટેલમાં ગેરકાયદેસર જોડાણ મેળવી રૂા. 61,230ના પાણીની ચોરી કરી હતી. 15 અને 32 મિ.મી. વ્યાસના જોડાણ મેળવી છેલ્લા 10 દિવસ દરમ્યાન સરકારી પાણીની લાઈનમાં કાણાં પાડી તથા એરવાલ્વમાંથી જોડાણ મેળવી સરકારી સંપત્તિમાં નુકસાન કરી આ શખ્સોએ રૂા. 6,97,776ના પાણીની ચોરી કરી હતી. પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી . અત્રે નોંધનીય છે કે, રાપરમાં પાણી પુરવઠા મંત્રી દ્વારા બે વખત લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમ્યાન હાઇવે હોટેલો દ્વારા કરાતી પાણી ચોરી મામલે રજૂઆતો પણ થઇ હતી. અગાઉ પણ બે વખત પાણીચોરી મામલે રજૂઆતો પણ થઇ હતી. અગાઉ પણ બે વખત પાણીચોરી મામલે ફરિયાદો નોંધાઈ હતી.
 
                                         
                                        