શિકાપુરમાં વીજલાઈન પસાર કરવાનાં કામ રોકાવવા સાથે 19 જણે ગેરકાયદેસર મંડળી રચી હુમલો કર્યો

copy image

copy image

ભચાઉ તાલુકાના શિકાપુરમાં વીજલાઈન પસાર કરવાનાં કામ રોકાવવા સાથે 19 જણે  ગેરકાયદેસર મંડળી રચી હુમલો કર્યો હોવાનો મામલો સામખિયાળી પોલીસ મથકે  નોંધાયો હતો. પાવર ગ્રીડ ર્કોપોરેશન ઓફ ઈન્ડિયા લિ. કંપનીના ઈન્જિનીયર  નરેન્દ્રસિંહ રાજાવતે  શિકાપુરના આરોપી મહમદ હુશેન ત્રાયા, હનીફ હુશેન ત્રાયા, આમીન હુશેન ત્રાયા, રામજી જગા ભુટક તથા 15 અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ  અમૃતપર સીમમાં પાવર ગ્રીડ કંપનીની ટાવર્સ  નં. 14 બી/1માં લાકડિયામાં અદાણીના 765 કે.વી. સબ સ્ટેશનથી અમદાવાદ સુધી ટ્રાન્સમિશન લાઈન નાખવાની કામગીરી માટે ખાડા ખોદવાનું કામ ચાલી રહ્યું હતું તે સમયે  આ આરોપીએ સરકાર તરફથી  નક્કી કરેલી જંત્રી મુજબની રકમ ન સ્વીકારી વધુ રકમની માગણી કરીને ગાળો ભાંડી કામ રોકાવ્યું હતું. ગેરકાયદેસર મંડળી સાથે પ્રાણઘાતક હથિયાર સાથે હુમલો કર્યો હતો. આરોપીઓએ  ફરિયાદી અને સિનિયર જનરલ મેનેજર કે. રાજેન્દ્ર, આસિસ્ટન્ટ મેનેજર મનીષ ખરાડી સાથે ઝપાઝપી કરી મૂઢમાર  જેવી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સ્થાનિક પોલીસે બચાવ કરી ફરિયાદી અને અન્ય કર્મચારી  સહિતનાઓને ગાડીમાંથી રવાના કર્યા હતા. દરમ્યાન આરોપીઓએ લાકડી વડે ગાડીનો કાચ તોડી નાખવા સહિતનું નુકસાન પહોંચાડયું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.