મોટી ચીરઈ સીમમાં બાવળની ઝાડીમાં છુપાવેલો રૂા. 1.25 લાખનો શરાબ જપ્ત
copy image

ભચાઉ તાલુકાના મોટી ચીરઈ સીમમાં પોલીસે દરોડો પાડીને બાવળની ઝાડીમાંથી રૂા. 1.25 લાખનો અંગ્રેજી દારૂનો જથ્થો હસ્તગત કર્યો હતો. ભચાઉ પોલીસની ટુકડીએ જૂની મોટી ચીરઈ ગામની સીમમાં કંથળનાથ દાદાના મંદિરની પૂર્વ બાજુએ નદીના વોકળામાં બાવળની ઝાડીઓમાં ભારતીય બનાવટનો વિદેશી અંગ્રેજી દારૂ હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન ખાખી કલરના બોક્ષ અને પ્લાસ્ટિકની થેલીઓ મળી હતી. વધુમાં તપાસમાં જુદી-જુદી બ્રાન્ડની દારૂની બોટલો અને બીયરના કવાર્ટરિયા કુલ 780 મળી આવ્યા હતા. પકડાયેલા માલની કિંમત રૂા. 1,21,500 આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં આરોપીઓ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (રહે. જૂની મોટી ચીરઈ, તા. ભચાઉ), રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજિતસિંહ જાડેજા (રહે. નવી મોટી ચીરઈ, તા. ભચાઉ) હાજર મળી આવ્યા ન હતા. દારૂના ગુનામાં નાસતા ફરતા આ આરોપીને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં તે સહિતની દિશામાં તપાસ હાથ ધરી હતી . ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છમાં જુદા-જુદા ગેરકાયદેસર શરાબનો વેપાલો પુન: ધમધમ્યો છે, જેને ડામવા માટે પોલીસ પ્રશાસન દ્વારા સમયાંતરે દરોડા પાડવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. અલબત્ત આ બદી અટકવાનું નામ લેતી નથી.