સિંધોડીમાંથી 1.70 લાખના વાયર ચોરનારા ભુજના બે ઈસમ ઝડપાયા
copy image

નલિયા પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન પિકઅપ ગાડી ભાગતાં તેનો પીછો કરી ભુજના બે શખ્સને સિંધોડીની પવનચક્કીમાંથી રૂા. 1.70 લાખના વાયરની ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ નલિયા પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમાં હતો, ત્યારે બાતમી મળી કે, પિકઅપ વાહન શંકાસ્પદ હાલતમાં નલિયાથી ભુજ બાજુ જઈ રહ્યું છે. આથી વાહનને મોથાળા ચેકપોસ્ટ પર ઊભું રાખવા પોલીસે હાથનો ઈસારો કરતાં વાહનચાલકે વાહન ઊભું ન રાખી ભગાડી દીધું હતું. આથી પોલીસ વાને તેનો પીછો કરી રાતા તળાવ સણોસરા ખાતે પકડી પાડયું હતું. આ પિકઅપ વાહનના ડાલામાં કોપર વાયર આશરે 450 કિ.ગ્રા. જેની કિં.રૂા. 1,70,000 અંગે પિકઅપ વાહનમાં બે શખ્સને પૂછતાં તેઓ વાયરના આધાર-પુરાવા આપી શક્યા ન હતા. આ બાદ યુક્તિ-પ્રયુક્તિથી પૂછતાછ આદરાતાં આ વાયર સિંધોડી ગામે આવેલી સુઝલોન કંપનીના સ્ટોરમાંથી ચોર્યાની કબૂલાત કરી હતી. આરોપી કાનો કિરણ વાસપોળા અને જાફર અદ્રેમાન કુંભાર (રહે. બન્ને ભુજ)ને ચોરાઉ વાયર કિં.રૂા. 1.70 લાખ અને પિકઅપ ગાડી કિં.રૂા. 2.50 લાખ એમ કુલે રૂા. 4.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી જખૌ મરીન પોલીસને જાણ કરાઈ હતી.