વરસામેડીમાં ઘરનાં તાળાં તોડી 1.52 લાખની તસ્કરી

copy image

copy image

અંજાર તાલુકાના વરસામેડીની સીમમાં આવેલી એક સોસાયટીનાં બંધ મકાનનાં તાળાં તોડી ઘરના માલિક ને સૂતા રાખીને નિશાચરોએ અંદરથી રૂા. 1,52,000નો હાથ માર્યો હતો. વરસામેડીમાં આવેલી કાવ્યા રેસિડેન્સી સોસાયટીનાં મકાન નંબર 126માં ગત તા. 17-6ની રાત્રિ દરમ્યાન નિશાચરોએ ખાતર પાડયું હતું. ગાંધીધામમાં ઇન્ટરટેક ઇન્ડિયા પ્રા.લિ.માં ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરતા પ્રદીપ યોગેન્દ્ર શર્માનાં ઘરમાં તસ્કરો ત્રાટકયા હતા. આ ફરિયાદીના બે દીકરા અમદાવાદ અભ્યાસ કરતા હોવાથી તેમના પત્ની પણ બે મહિના પહેલાં ત્યાં રહેવા ચાલ્યા ગયા છે. એકલા રહેનાર આ ફરિયાદી ગત તા. 16-6ના રાત્રે જમી પરવારીને પોતાના મકાનને તાળાં મારી છત ઉપર સૂવા  ચાલ્યા ગયા હતા. બીજા દિવસે સવારે જાગીને નીચે આવતાં મુખ્ય દરવાજાનાં તાળાં તૂટેલા જણાયાં હતાં. અંદર નિશાચરોએ તમામ સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને પતરાના કબાટના અંદરના ખાનામાં લોક પણ તૂટેલી હાલતમાં જણાયા હતા. તસ્કરોએ આ ખાનામાંથી રોકડા રૂા. 28,000 તથા સાત ગ્રામનું સોનાનું એક મંગળસૂત્ર, 15 ગ્રામની સોનાની એક ચેઇન, કાનમાં પહેરવાના સોનાના એરિંગ જોડી નંગ-બે, ચાંદીના સાંકળા નંગ-ચાર એમ કુલ રૂા. 1,52,000ની નાસી ગયા હતા. પૂર્વ કચ્છમાં છેલ્લા લાંબા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધ્યા છે. મોટાભાગે ફેકટરી કે ગોદામોમાં થતી ચોરીના બનાવોમાં આરોપી પકડાઇ જાય છે, પરંતુ ઘરફોડ ચોરીના બનાવોમાં ગમે તે કારણે તસ્કરો પોલીસના સકંજામાં ન આવતા હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ત્યારે ઘરફોડ ચોરીના બનાવોમાં પણ ભેદ ઉકેલાય અને ચોરીમાં ગયેલ મતા લોકોને પરત મળે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.