પૂર્વ કચ્છમાં ઊંચા વ્યાજે પૈસા આપી ઉઘરાણી કરતાં પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

copy image

copy image

આદિપુરમાં રહેનાર એક વૃદ્ધને રૂા. 40,000 10 ટકા વ્યાજે આપી તેમની પાસેથી રૂા. 1,20,000 મેળવી લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરાતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. બીજી તરફ ભચાઉના વોંધમાં વેપારીને રૂા. 21,75,000 આપી પઠાણી ઉઘરાણી કરાતાં પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો . આદિપુરમાં રહેતા અશોક જેઠાનંદ થાવરાણી (સિંધી) નામના વૃદ્ધ અગાઉ ગાંધીધામના ચાવલાચોક નજીક ફળની લારી ચલાવતા હતા, જ્યાં આરોપી વિજય મજેઠિયા આવતો-જતો હતો અને પોતે વ્યાજનો ધંધો કરતો હોવાની વાત કરતો હતો. દરમ્યાન ફરિયાદીના પત્ની બીમાર પડતાં તેમણે આ શખ્સ પાસેથી 10 ટકા વ્યાજે રૂા. 40,000 લીધા હતા. 2017માં લીધેલા આ પૈસાની જગ્યાએ ફરિયાદીએ રૂા. 1,20,000 આરોપીને ચૂકવી આપી પોતાનો કોરો ચેક લેવા જતાં હજુ તારા રૂા. 50,000 બાકી હોવાનું કહી પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી કરી હતી. આ શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી. બીજી બાજુ વોંધમાં સિદ્ધિ મોબાઇલ એન્ડ કાલ્ડ્રિંક્સ નામની દુકાન ચલાવતા દિલીપ બાબુલાલ સુથારને દુકાનમાં માલ ભરવા રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં દિલીપ પ્રવીણ પંડયા પાસેથી ત્રણ ટકાના વ્યાજે રૂા. 5,00,000 લીધા હતા. બાદમાં ધંધામાં નુકસાન થતાં મનીષ નવીન ઠક્કર પાસેથી 1.5 ટકા વ્યાજે રૂા. 1,50,000 લઇ મકાન ગીરો મૂક્યું હતું. પરિવારમાં બીમારી આવતાં ડાયાલાલ ખુમાણ દાફડા પાસેથી ત્રણ ટકાના વ્યાજે એક લાખ લીધા હતા. પછી દુકાનમાં સામાન ભરવા રાજેશ વિનોદ દવે પાસેથી ત્રણ ટકા વ્યાજે રૂા. 9,50,000 લીધા હતા, જેની અવેજીમાં મકાનનું લખાણ કરી આપ્યું હતું. બાદમાં તેમની બહેનની દીકરીના લગ્ન હોવાથી મામેરા માટે સંદીપ ઉર્ફે સુરિયો લવજી રાઠોડ પાસેથી પાંચ ટકા વ્યાજે રૂા. પાંચ લાખ લીધા હતા અને તમામને કોરા ચેક આપ્યા હતા. આ પાંચ લોકો પાસેથી કુલ રૂા. 21,75,000 લઇ બાદમાં રૂા. 7,52,500 ચૂકવી દીધા હોવા છતાં ધાકધમકી કરાતાં પોલીસે આ પાંચેય શખ્સ વિરુદ્ધ ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.