ગાંધીધામમાં મારી નાખવાની ધમકી આપતાં યુવાને પેટ્રોલ છાંટી જાત જલાવી

copy image

copy image

ગાંધીધામના મહેશ્વરીનગર વિસ્તારમાં એક યુવાનના મોબાઇલમાં તેના તથા યુવતીના ફોટો જોઇ લેતાં એક શખ્સે મારી નાખવાની ધમકી આપતાં યુવાને જાતે પેટ્રોલ છાંટી જાત જલાવી લીધી હતી. યુવાનને મરવા મજબૂર કરવા અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ગાંધીધામના મહેશ્વરીનગરમાં રહેતા અને નગરપાલિકામાં કામ કરનાર ભાવાબાઇ ઉર્ફે ભાવનાબેન વીરજી ફફલે આ જ વિસ્તારના ગોવિંદ હરજી ઉર્ફે હાજી હિંગણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 18/6ના સાંજના અરસામાં ફરિયાદીનો દીકરો ગૌતમ ઘરેથી બહાર ગયો હતો. બાદમાં મોડીરાત્રે ફરિયાદી ઘરની બહાર બેઠા હતા ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો અને ગૌતમે રૂા. 1500માં મોબાઇલ મને ગિરવી આપ્યો છે જેમાં ગૌતમ તથા યુવતીના ફોટા મેં જોયા છે તેમ કહી ફરિયાદીને બતાવી ગૌતમને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ચાલ્યા ગયા બાદ આ શખ્સ પરત આવ્યો હતો. ગૌતમ ઘરે આવે કે છત ઉપર સુવે તો મને જાણ કરવા મનીષને કહ્યું હતું. ગૌતમને આખી રાત ગોતશું તેમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો. થોડીવાર બાદ ગૌતમ પોતાના ઘરની છત ઉપર ચડયો હતો અને મમ્મી આ તારા પૈસા લઇ લે, હું મારા જીવનમાંથી જાઉં છું. મને ગોવિંદે ધમકી આપેલ તેમ કહી પોતાના પર પેટ્રોલ છાંટી જાત જલાવી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા આ યુવાનને પ્રથમ રામબાગ બાદ ભુજની સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં તેણે સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. તે સારવાર દરમ્યાન હતો ત્યારે તેણે ફરિયાદીને ગોવિંદ હિંગણાએ મારો મોબાઇલ લઇ લીધો હતો અને એક યુવતી તથા મારા ફોટા જોઇ જતાં ધમકી આપી હતી. તે મને જીવતો નહીં મૂકે તેના ડરથી મેં પેટ્રોલ છાંટી મરવા પ્રયત્ન કર્યો હોવાનું જણાવ્યું હતું. યુવાનને મરવા મજબૂર કરવાના આ પ્રકરણ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.