કાનમેર ભડાકાકાંડમાં ફરાર આરોપીઓના આગોતરા ફગાવાયા
copy image

રાપર તાલુકાના કાનમેરના રણમાં મીઠાની જમીન પચાવી પાડવા માટે બંદૂકના ભડાકા કરીને યુવાનની હત્યા નીપજાવવાના કેસમાં અત્યાર સુધી ફરાર રહેલા આરોપીઓની આગોતરી જામીન અરજી કોર્ટે નકારી દીધી હતી. આ અંગે મળતી વિગતો મુજબ આ બનાવ મામલે ગત 13 મેના આ જીવલેણ હુમલાનો બનાવ બન્યો હતો. જીપ અને કારમાં ધસી આવેલાં ટોળાંએ રણમાં ગેરકાયદેસર મીઠાની જમીન પચાવી પાડવા મામલે પાંચ શખ્સો ઉપર હુમલો કરાયો હતો તેમજ ધાણીફૂટ ગોળીબાર કર્યો હતો. આ બનાવમાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજતાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો. આ કેસમાં પોલીસે 17 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા. આરોપીઓની પૂછપરછ દરમ્યાન રાજકીય અગ્રણીઓઁની સંડોવણી બહાર આવી હતી, જેમાં એક આરોપી જિલ્લા પંચાયત સભ્યના પતિ એન.આર. અયાચીની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા, મીઠાના વેપારી દિલીપ હસુભાઈ અચાયી અને કાજા અમરા રબારી ફરાર છે. દરમ્યાન ફરાર આરોપીઓએ ભચાઉની કોર્ટમાં આગોતરી જામીન અરજી કરી હતી. બન્ને પક્ષની દલીલો સાંભળી અધિક સેશન્સ જજ અંદલિપ તિવારીએ ત્રણેય આરોપીની આગોતરી જામીન અરજી ફગાવી દીધી હતી.