વરલીમાં મામાના વિયોગમાં યુવાને ઝેરી દવા ગટગટાવી: સારવાર હેઠળ મોત  

copy image

copy image

ભુજ તાલુકાના વરલી ગામના  20 વર્ષીય યુવાન અશ્વિનભાઈ સામજીભાઈ કાનાભાઈ મકવાણા (આહીર)ને મામાના મૃત્યુનું મનમાં લાગી આવતાં તેણે ઘાસ બાળવાની દવા પી લેતાં તેનું અમદાવાદમાં સારવાર હેઠળ મોત નીપજ્યું હતું. વરલીમાં વેપાર-ધંધો કરતા સામજીભાઈ મકવાણાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના 20 વર્ષીય પુત્ર અશ્વિને ગત તા. 31/5ના રાતના અરસામાં  વરલીની સીમમાં વાડી ઉપર ઘાસ બાળવાની દવા ગટગટાવી લીધી હતી. અશ્વિનના મામા સામજીભાઈ બરારિયા (વરલી) અગમ્ય કારણે મૃત્યુ પામ્યા હોવાથી તે બાબત અશ્વિનને મનમાં લાગી આવતાં તેણે દવા પી લીધી હતી. પ્રથમ તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર હેઠળ તા. 8/6ના તેનું મોત નીપજયું  હતું, જેના કાગળો પદ્ધર પોલીસ મથકે તા. 25/6ના આવતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યાવાહી હાથ ધરી હતી .