ગાંધીધામમાં વેપારી સાથે બે લાખની ઓનલાઇન છેતરાપિંડી
ગાંધીધામના શક્તિનગરમાં રહેતા અને હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને અજાણ્યા શખ્સે ફોન કરીને અમેરિકન એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ આપવાની વાત કરી હતી. ત્યારબાદ ચાર તબક્કામાં રૂપિયા 2,00,655 ઓનલાઇન ટ્રાન્સફર કરીને ઠગાઇ કરાઇ હતી. ગાંધીધામ એ-ડિવિઝન પ્રાપ્ત માહિતી મુજબ તા. 30/05/24ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ગોકુલ હોટેલના સંચાલક મુકેશકુમાર ગાવિંદરામ અગ્રવાલને તા. 24/05/24ના બપોરના અરસામાં એક ઈસમે ફોન કરીને અમેરિકન એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડમાંથી બોલું છું, તમારે ક્રેડિટકાર્ડ લેવાની વાત કરી હતી. વેપારીએ ક્રેડિટ કાર્ડ માટે રૂા. 170 ચૂકવ્યા હતા. છ દિવસ બાદ વધુ એક વખત આ શખ્સે ફોન કર્યો હતો અને વેપારીના પૂરા નામની પૂછપરછ કરી હતી. દરમ્યાન તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને ફોન બંધ થઈ ગયો હતો, જેથી તેઓ દુકાનમાં ગયા હતા અને ફોનની તપાસ કરી હતી ત્યારે ક્રેડિટ કાર્ડમાંથી પ્રથમ રૂપિયા 82,360, બીજીવાર રૂપિયા 92, 558, ત્રીજીવાર રૂપિયા 15,442 અને ચોથીવારમાં 10,295 ઉપડી ગયાનો મેસેજ ધ્યાને આવ્યો હતો. પરિણામે બેન્કમાં ફોન કરીને કાર્ડ બંદ કરાવી નાખ્યું હતું તેમજ સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ કરી હતી, જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.