સાંયરામાં બે ભાઇ ઉપર ત્રણ શખ્સનો જીવલેણ હુમલો
નખત્રાણા તાલુકાના સાંયરા (યક્ષ)માં બોલાચાલીના મુદ્દે બે ભાઇ ઉપર ત્રણ શખ્સે ધારિયા જેવા ઘાતક હથિયારોથી જીવલેણ હુમલો કરી એક ભાઇની આંગળીઓ કાપી નાખી હતી. આ અંગે નખત્રાણા પોલીસ મથકે સાંયરા (યક્ષ)ના હરેશ દેવજીભાઇ મારવાડાએ નોંધાવેલ ફરિયાદ મુજબ સવારના અરસામાં તે યક્ષ જૈન દેરાસર પાસે પ્રતિક્ષા ટી સ્ટોલ ઉપર નાસ્તો લેવા ગયા ત્યારે ત્યાં ગામના લક્ષ્મણસિંહ સોઢાએ તેમને જોઇ જેમ-તેમ બોલી ગાળો આપતાં બોલાચાલી સાથે ઝઘડો થયો હતો. આ બોલાચાલીના મનદુ:ખમાં સાંજના અરસામાં આરોપી લક્ષ્મણસિંહ અને સંજય વેલજી કોલી (જિયાપર), વસંત કોલી (મંગવાણા) ધારિયા સાથે ફરિયાદીના ઘર બહાર ફરિયાદીના ભાઇ હિતેષ સાથે ઝઘડો કરી ધારિયાથી મારવા જતાં હાથ આડો દેતાં તેની આંગળીઓ કપાઇ ગઇ હતી અને ફરિયાદી વચ્ચે પડતાં તેને કોણીમાં ધારિયું લાગતાં ટાંકા આવ્યા છે. નખત્રાણા પોલીસે 307 તથા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.