શિણાયમાં યુવાનને શેર માર્કેટમાં ફાયદો કરાવી આપવાનું કહી 22.37 લાખની છેતરપિંડી
ગાંધીધામ તાલુકાનાં શિણાય ગામની એક સોસાયટીમાં રહેનાર યુવાનને શેર માર્કેટમાં રૂપિયા નાખવા સહિતની લોભામણી લાલચ આપી તેની પાસેથી રૂા. 22,37,909 પડાવી લીધા બાદ પરત ન કરાતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શિણાયના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને ગાંધીધામની ઇન્ટર એશિયન શિપિંગ કંપનીમાં કામ કરનાર દીપેશ જયંતીલાલ સાંચલા નામના યુવાને બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફેડેરેટેડ હેર્મ્સ એ 79 નામની આંતરરાષ્ટ્રીય ઇક્વિટી ફંડ મેનેજ કરતી અને શેર માર્કેટ અંગેના જીવંત ઓનલાઇન તાલીમ કલાસ ચલાવતી આ કંપનીના કલાસમાં ફરિયાદી જોડાયા હતા. ત્રણ પાળીમાં ચાલતા આ કલાસમાં બપોરે અને રાત્રે આ ફરિયાદી યુવાન તેમાં જોડાતા હતા, જેમાં શેર બજારને લગતી માહિતી પૂરી પાડવામાં આવતી હતી. અંકિત મિશ્રા નામનો શખ્સ તેની માહિતી આપતો હતો. ક્લાસમાં દેશના પ્રતિષ્ઠિત અને ઉચ્ચ કક્ષાના, ફાઇનાન્સ જગતમાં મોટું નામ ધરાવતા લોકો પણ સંકળાયેલા હોવાના દાવા કરાતા હતા તેમજ એકાદ મહિનામાં મોટો ફાયદો કરાવી આપવાની લાલચ આપતા હતા. ફરિયાદી આરોપીની વાતોમાં આવી જતાં તેમણે તે માટે બેંકમાંથી લોન લીધી હતી તેમજ બાવીસ વર્ષની સંપૂર્ણ બચત આ શખ્સોના કહેવા મુજબ શેર માર્કેટમાં રોકી હતી. ફરિયાદીએ જુદી જુદી તારીખે આરોપીઓના બેંક ખાતાઓમાં કુલ રૂા. 22,37,909 જમા કરાવી દીધા હતા. તેમને એફ.એચ.ટી. નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાનું જણાવાયું હતું. પોતે રોકેલા શેરની કિંમત રૂા. 69,98,922 એપ્લિકેશનમાં બતાવતાં તેમણે આ રકમ કાઢી લેવા ફોર્મ ભરતા પહેલાં રૂા. 6,83,000 જમા કરાવવા કહેવામાં આવ્યું હતું, જેથી તેમણે અંકિત મિશ્રા તથા બાદમાં કસ્ટમર કેરમાં ફોન કરતાં તેમને વ્યવસ્થિત જવાબ મળ્યા નહોતા. પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી થઇ હોવાનું જણાતાં ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ કરી હતી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.