મુન્દ્રાની અલખનંદા સોસાયટીમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો
મુન્દ્રાની અલખનંદા સોસાયટીમાંથી દોઢ-બે મહિના પહેલાં થયેલી ઘરફોડીના ગુનામાં સંડોવાયેલા એક શખ્સની પશ્ચિમ કચ્છ એલસીબીએ બાતમીના આધારે ઝડપી લીધો હતો. જયારે તેમની સાથે રહેલા બે શખ્સોને પકડી લેવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રાની અલખનંદા સોસાયટીમાં દોઢથી બે મહિના પહેલા મુન્દ્રા પોલીસ મથકે ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે અણઉકેલ ગુના અંગે એલસીબીના પી.આઈ. એસ.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઈ. ટી.બી.રબારી અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી તસ્કરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મળેલી બાતમીના આધારે પોલીસે મુન્દ્રાની સાનિયા સોસાયટીમાં રહેતા અરવિંદ પરબતભાઈ કોલીને પકડી પાડયો હતો. પોલીસની પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરવાની સાથે ચોરી કરવાના ગુનામાં મુન્દ્રાના રમેશ પરબત અને નંદિમ ઓસમાણ ઉર્ફે મુન્નો જત નામના શખ્સો પણ સાથે હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે પકડાયેલા અરવિંદ કોલી પાસેથી રૂ. ૩હજારની કિંમતનો મોબાઈલ હસ્તગત કરી અન્ય બે શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.