અંજારમાં પાંચ મિનિટ તમારું બાઇક આપો તેમ કહી ઇસમ રફુચક્કર
ભચાઉના ચોબારીમાં રહેતા એક યુવાન પાસેથી બાઇક મેળવી બાદમાં શખ્સ પરત ન આવતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ચોબારીના કબીરનગરમાં રહી અમદાવાદમાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરનાર ફરિયાદી અશ્વિન કરશન ચાવડા (આહીર) સાથે આ બનાવ બન્યો હતો. ફરિયાદી યુવાન તા. 21-6ના સવારે કામ અર્થે બાઇક લઇને અંજાર જઇ રહ્યો હતો. ત્યારે રસ્તામાં શખ્સે હાથનો ઇશારો કરી તેને ઊભો રાખ્યો હતો અને પોતાની ઓળખ જગદીશ પુનશી મહેશ્વરી (રહે. દેશલપર કંઠી) તરીકે આપી હતી. આ બંને બાદમાં અંજાર દબડા ત્રણ રસ્તા પાસે પહોંચતાં આરોપીએ મારી બહેન અહીં રહે છે. તેના પાસેથી મારે પૈસા લેવાના છે. પાંચ મિનિટમાં પૈસા લઇને આવું છું, તમારું બાઇક આપો તેવી વાત કરતાં યુવાને પોતાનું વાહન આપી દીધું હતું. બાદમાં આ શખ્સ પરત ન થતાં તેની શોધખોળ આદરી હતી. પરંતુ તે કયાંય મળ્યો નહોતો. દુધઇ પોલીસે વિશ્વાસઘાતના આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.