લાઈસન્સ માટે લાંચ લેવાના કેસમાં પુરવઠા શાખાના મામલતદારને ચાર વર્ષની કેદ
કેમિકલ કંપની અંગેનું લાયસન્સ આપવાના બદલામાં રૂા. 1.25 લાખની લાંચ માગવાના કેસમાં તત્કાલીન મામલતદાર જગદીશચંદ્ર દામજી ઠક્કરને તકસીરવાન ઠેરવી એસીબીની ખાસ કોર્ટે ચાર વર્ષની સખત કેદની સજા તથા રૂા. 1.25 લાખનો દંડ ફટકાર્યો હતો. ગત 2016ના કેસમાં ફરિયાદીએ સોલવન્ટ કેમિકલનું લાયસન્સ મેળવવા કરેલી અરજી પેટે આરોપીએ ઉડાઉ જવાબ અપ્યો હતો અને ફોન નંબર દીધો હતો. બાદમાં અરજદારે લાયસન્સ અંગે પૂછપરછ કરતાં તેના અવેજમાં રૂા. 1.25 લાખની લાંચ મગાઈ હતી. લાયસન્સ આપ્યા બાદ આરોપી અધિકારીએ વ્યવહારના રૂપિયા આપવા જણાવતાં લાંચ રુશ્વત શાખાને જાણ કરાઈ હતી. એસીબીએ છટકું ગોઠવી જગદીશ ઠક્કર લાંચના રૂપિયા સ્વીકારતા ઝડપાયા હતા. હોદ્દાનો દુરુપયોગ કરનારા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ તળે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં એસીબીની ખાસ કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી હતી અને દસ્તાવેજી પુરાવા તથા સાક્ષીના આધારે અધિકારીને તકસીરવાન ઠેરવી ચાર વર્ષની સખત કેદની સજા તથા રૂા. 1.25 લાખનો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં એસીબીને સંલગ્ન કેસ માટે ખાસ નિયુક્ત ધારાશાત્રી એચ. બી. જાડેજાએ હાજર રહી દલીલ કરી હતી.