મોટા રેહા સીમમાં માલધારીને લુંટનાર ઈસમ ઝડપાયો
મોટા રેહા ગામની સીમમાં માલધારીને બાઈક પરથી ધક્કો મારી રોકડ રૂપિયા પડાવી જનાર દેશલપર(કંઠી)ના શખ્સને પદ્ધર પોલીસે કનૈયાબે નજીકથી ઝડપી લીધો હતો. માલધારીને લૂંટનારા આરોપીને પકડી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી ગોવાભાઈ પુનાભાઈ રબારીએ પદ્ધર પોલીસ મથકે લુંટની ફરિયાદ નોધાવી હતી.જેમાં પોલીસે આરોપી જગદીશ પુનશી માતંગને ઝડપી પડ્યો હતો .ફરિયાદીના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યો ઇસમ સોમવારે મોટા રેહા ગામની સીમમાં બળજબરીથી રોકડ રૂપિયા 5700 પડાવી ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું.બનાવને પગલે આરોપીનું પગેરું દબાવી રહેલી પોલીસને બાતમી મળી હતી કે ભચાઉ હાઈવે પર કનૈયાબે નજીક મોખાણા ત્રણ રસ્તા પાસે આરોપી હાજર હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં જોતરાયેલી પોલીસની ટુકડીએ સ્થાનિકે જઈ તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. જેની પાસેથી રોકડ, મોબાઈલ અને બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ ઉપરાંત આરોપી વિરુદ્ધ દુધઈ પોલીસ મથકે નોધાયેલ ગુનાનો ભેદ પણ પદ્ધર પોલીસે ઉકેલી લીધો હતો.