ગાંધીધામમાં મીઠાની બોરીઓ નીચે દબાતાં યુવાન કામદારનું મોત નિપજ્યું
ગાંધીધામના હાઉસિંગ બોર્ડ સામે આવેલા ચીરઇ સોલ્ટમાં મીઠાની બોરીઓ નીચે દબાઈ જતાં મુળ રાજસ્થાનના યુવાન શ્રમિકનું મોત નિપજ્યું હતું , પ્રાપ્ત માહિતી મુજબ, મુળ રાજસ્થાનના ઉદયપુરનો હાલી હાઉસિંગ બોર્ડ ઝૂંપડામાં રહેતો 26 વર્ષીય મીંટુ પ્રભુલાલ મીણા હાઉસિંગ બોર્ડ સામે આવેલી ચીરઈ સોલ્ટ કંપનીમાં ગુરૂવારે બપોરના એક વાગ્યાના અરસામાં કામ કરી રહ્યો હતો ત્યારે મીઠાની બોરીઓ નીચે દબાઈ જતાં ગંભીર ઈજાઓને પગલે મોત નિપજ્યું હતું. તેમનો મૃતદેહ લઇ આવનાર તેના ભાઇ ઓમપ્રકાશ પ્રભુલાલ મીણાએ રામબાગ હોસ્પિટલના તબીબને આપેલી વિગતોની જાણ તબીબે બી- ડિવિઝન પોલીસ મથકે કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ ઝોન લાલ ગેટ પાસે તા.20/5 ના બેભાન મળેલા યુપીના યુવાને ભુજ જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દમ તોડ્યો હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. મુળ ઉત્તરપ્રદેશના કાનપુરનો 34 વર્ષીય રામ નરેશ અમેરિકા વર્મા ગત મહિનાની તા.20/5 ના સાંજે સાડા છ વાગ્યે ઝોન લાલ ગેટ પાસે અચાનક બેભાન થઈ ગયા પછી શિવ બરન અમેરીકા વર્મા તેમને સારવાર અર્થે એમ.એમ. હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે તેને ભુજ જનરલ હોસ્પિટલ રીફર કરાયો હતો જ્યાં તા.23/5ના તેણે સારવાર હેઠળ મુત્યુ નીપજયું હોવાનું તબીબે પોલીસને જણાવતાં હાલ બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી હતી.