મથડામાં ગળું દબાવી પત્નીની હત્યા કરનાર પતિને પાંચ વર્ષની કેદ
અંજાર તાલુકાના મથડામાં ગળું દબાવી અને માથું પછાડી ઈજા પહોંચી પત્નીનું ખૂન કરનારા પતિને અંજારની કોર્ટ તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સજા ફટકારી હતી. આ કેસની વિગત મુજબ ફરિયાદી જુમાભાઈ ઈલિયાસ આગરિયાની પુત્રી સલમાના લગ્ન મથડાના આરોપી અસગર જુસબ આગરિયા સાથે થયાં હતાં. ગત તા. 19/4/2021 ના ફરિયાદીની દીકરીના સસરાએ ફોન પર જાણ કરી હતી કે, તમારી પુત્રી અહીંથી ભચાઉ ભાગી ગઈ છે. પરિવારજનોને ભારે શોધખોળ બાદ પણ પુત્રીની ભાળ મળી ન હતી. દરમ્યાન દીકરીના ઘરમાં લોહીનાં નિશાન જોવા આરોપી જમાઈની મૃતકના પરિવારજનોએ દબાણપૂર્વક પૂછપરછ કરી હતી. દરમ્યાન આરોપી અસગર જુસબભાઈ આગરિયા (રહે. મથડા)એ ગત તા. 19/4/2021ના વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં પત્ની સલમાને ગળું દબાવી માથું પછાડીને મારી નાખી તેના મૃતદેહને કોથળામાં ભરીને સીમમાં બાવળની ઝાડીમાં નાખી દીધો હોવાનું જણાવ્યું હતું. આ અંગે અંજાર પોલીસ મથકે વિધિવત રીતે ગુનો નોંધાયો હતો. આ કેસ અંજાર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ કમલેશ શુક્લ સમક્ષ ચાલી ગયો હતો. 16 સાક્ષીની તપાસ અને 33 જેટલા દસ્તાવેજી પુરાવા તથા બંને પક્ષની દલીલોના આધારે અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સાદી કેદની સજા તથા પાંચ હજારનો દંડ કર્યો હતો. જો દંડની રકમ ન ભરે વધુ 30 દિવસની સાદી કેદની સજા કરવા આદેશ આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ આશિષકુમાર પંડયાએ દલીલો કરી હતી.