આદિપુરમાં જુગાર પ્રકરણમાં પોલીસને ખોટી માહિતી આપનાર સામે ફરિયાદ
આદિપુરમાં જુગાર પ્રકરણમાં પકડાયેલા મહિલા આરોપી દ્વારા પોલીસને ખોટી માહિતી આપવા બદલ વિધિવત રીતે ફરિયાદ નોંધાઈ હતી. આદિપુર પોલીસે ગત તા. 14/12/2023ના આદિપુર વોર્ડ નં. 2/બીના મકાન નં.394માં જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો અને નવ મહિલા આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આરોપી જયવંતી અશોક ચાવલા (રહે. એસ.સી.એક્સ-35)એ પોતાનું નામ અને અટક છુપાવીને પોલીસ સમક્ષ પોતાનું નામ યશવંતીબેન અશોકભાઈ ચંદનાણી લખાવ્યું હતું. પોલીસ સમક્ષ ખોટું લખાવ્યાની જાણ થતાંની સાથે પોલીસે આ મહિલા આરોપીનું આધાર કાર્ડ મગાવી તપાસ હાથ ધરી હતી. જેના ઉપરથી તહોમતદારે પોલીસને ખોટી માહિતી આપી હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી .