મોડાસાના મોટા કાજીવાડામાં ગાંધીનગર આર.આર.સેલની જુગારના અડ્ડા પર રેડ

મોડાસા ટાઉન પોલીસની નજર સમક્ષ મોડાસાના મોટા કાજીવાડા વિસ્તારમાં શનિવારની મધ્યરાત્રના અરસામાં ગાંધીનગર આર.આર.સેલની ટીમે રહેણાંક મકાનમાં ત્રાટકી ગંજીપાનો જુગાર રમતા ૯ ઇસમોઓને ઝડપી પાડી હવાલતના સળિયા પાછળ ધકેલી દઈ રોકડ રકમ, મોબાઈલ સહીત રૂ. ૧૬,૯૪૫ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. મોડાસાના લઘુમતી વિસ્તારના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર આર.આર.સેલની રેડ બાદ સ્થાનિક પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સ્થાનિક પોલીસતંત્રના નાક નીચે ચાલતા આ કારોબારનો આર.આર.સેલ ની ટીમે અડધી રાત્રના અરસામાં પર્દાફાશ કરતાં શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. આ બાબતે પોલીસે પકડાયેલા બધા ૯ ઇસમો વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. ગાંધીનગર આર.આર.સેલ ની ટીમે બાતમીના આધારે મોડાસાના મોટા કાજીવાડા વિસ્તારમાં મોહમ્મદ જાવેદ ગુલામનબી મલેક તેના રહેણાંક મકાનના બીજા માળે ચાલતા જુગારધામ પર રાત્રીના અરસામાં ત્રાટકી મોહમ્મદ જાવેદ ગુલામનબી મલેક, ઇમરાન મહમ્મદ રફીક મહમ્મદ મલેક, મહમ્મદ ઈદ્રીશ ઉસ્માનમીયા મલેક, મહમ્મદ ઈરફાન ગુલામનબી શેખ, મહમ્મ્દ ઇકબાલ મસાકભાઈ શેખ, આફતાબ હુસેન ફકીર મહમ્મદ શેખ, અઝરૂદ્દીન મહમ્મદ હનીફ શેખ, મોં.ફારૂક મહમ્મદ મિયાં મલેક અને તાહિર હુસેન મહેમુદ ભાઈ માંઝીને હારજીતના પાનાનો જુગાર રમતા રંગે હાથે પકડી પાડી દાવ પર લાગેલા રૂ.૨,૭૪૦ , ઇસમોઓ પાસેથી મળેલ રોકડ રકમ રૂ.૭,૭૦૫, મોબાઈલ નંગ ૧૦ કિંમત રૂ.૬,૫૦૦ મળી કુલ રૂ.૧,૬૯૪૫નો મુદ્દામાલ કબ્જે કરી આર.આર.સેલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી મોડાસા ટાઉન પોલીસને સોંપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *