ગાંધીનગર શહેરના શિવમ સોસાયટીમાં બંધ ઘરનું તાળું તોડી તસ્કરો 1.73 લાખની મત્તા તસ્કરી ગયા

ગાંધીનગર શહેરમાં ઘરફોડ તસ્કરીના બનાવો અટકવાનું નામ લેતાં નથી ત્યારે શહેરના સે-ર૭ શિવમ સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ ઘરનું તાળું તોડી તિજોરીમાં ૬૦ હજારની રોકડ અને સોનાચાંદીના દાગીના મળી ૧.૭૩ લાખની મત્તા તસ્કરીને ફરાર થઈ ગયા હતા. આ સંદર્ભે પરિવારજનોને જાણ થતાં સે-ર૧ પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે તસ્કરીનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે દોડધામ શરૂ કરી છે. પાટનગર ગાંધીનગર શહેરમાં શિયાળાની ઋતુ દરમ્યાન ઘરફોડ તસ્કરીના બનાવોમાં વધારો નોંધાતો હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તસ્કરો હવે ગરમીમાં પણ ઘરફોડ તસ્કરી કરવામાં સફળ થઈ રહયા છે. શહેરના સે-ર૭માં આવેલી શિવમ સોસાયટીમાં પ્લોટ નં.૧ર૭૯માં રહેતાં ચિમનલાલ ગોહિલને પથરીની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેના પગલે તેમનો પરિવાર મકાન બંધ કરીને શુક્રવારે સાંજના અરસામાં હોસ્પિટલ ગયો હતો. આ દરમ્યાન રાત્રીના અરસામાં તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરોએ તિજોરીમાંથી ૬૦ હજારની રોકડ, સોના ચાંદીના દાગીના મળી ૧.૭૩ લાખની મત્તા તસ્કરીને ફરાર થઈ ગયા હતા. દરમ્યાનમાં ઘરે પાછા ફરેલા પરિવારને મકાનનો દરવાજો તુટેલો જણાતાં ઘરમાં તપાસ કરતાં તસ્કરી થયાનો અંદાજ આવી ગયો હતો. જેથી આ સંદર્ભે સે-ર૧ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તસ્કરોને ઝડપી પાડવા દોડધામ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *