ખંભાતમાં ઘરની સફાઈ કરવા આવેલી મહિલાઓ 3.85 લાખના દાગીનાની તસ્કરી

ખંભાત શહેરના ખારાવાડા વિસ્તારમાં રહેતા વેપારીના ઘરે ઘરકામ કરવા આવેલ બે મહિલાઓએ હાથની સફાઈ સાથે કબાટના ડ્રોઅરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના શેરવી લઈ પલાયન થઈ જતા ખંભાત શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવામાં આવી હતી. આ અંગેની પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાત શહેરમાં ખારાવાડા ખાતે મકાન નં. ૬૦૨માં રહેતા વેપારી અનિલ નવીનભાઈ શાહ ટ્રેક્ટરના સ્પેરપાર્ટસ બનાવીને હોલસેલ વેપાર કરે છે. ગત તા.૧૪મી માર્ચના રોજ નજીકમાં રહેતા પડોશીને ત્યાં ઘરના કામકાજ માટે આવતી બે બહેનો રીટા પિયુષભાઈ અને ગીતા રવિષકુમારને તેમણે માસિક પગારથી પોતાના ઘરે કામકાજ માટે રાખી હતી.  ત્યારબાદ ગત તા.૩જીના રોજ જયશ્રીબેને કબાટમાં મુકેલ ભાવનાબેનના સોનાના પાટલા કાઢવા ગયા હતા. જે ન મળતા તેમણે શોધખોળ કરતા ડ્રોઅરમાં મુકેલા અન્ય દાગીના તેમજ બીજા માળે કબાટમાં મુકવામાં આવેલ સોના-ચાંદીના દાગીનાની પણ શોધખોળ હાથ ધરતા તે પણ ગાયબ હતા.
જેને પગલે તેમણે તરત જ અનિલભાઈને જાણ કરી હતી. તેઓ ઘરે આવી ચઢીને તપાસ હાથ ધરતા સોનાના બે હાર, ચેઈન, બુટ્ટી, વીંટી, હીરાની વીંટી, પેન્ડલ, કડુ, હીરાની ચુન્ની, બુટ્ટી, લગડી, પાટલા, ચાંદીની થાળી, વાડકી સહિત કુલ ૩,૮૫,૫૦૦ના દાગીના ગાયબ થઈ ગયા હોવાનું બહાર આવતા તેમણે બંને કામવાળી મહિલાઓ વિરૂધ્ધ ખંભાત શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. ફરિયાદના આધારે ખંભાત શહેર પોલીસે બંને મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *