ગાંધીનગર શહેર પાસે પાલજ ગામે આવેલા નાગણેશ્વરી માતાજીના મંદિરમાં આજે બપોરના અરસામાં બે તસ્કરો યુવાનો ઘુસ્યા હતા અને માતાજીના નાના મોટા મુગટ તસ્કરી કરી રહયા હતા. આ જ સમયે પૂજારી ત્યાં પહોંચી જતાં આ બંને યુવાનોને તસ્કરી કરતાં રંગે હાથ પકડી લીધા હતા અને ચિલોડા પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે પૂજારીની ફરિયાદના આધારે બંને તસ્કરોની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. આ બાબતે મળતી વિગતો મુજબ ગાંધીનગર શહેરને અડીને આવેલા પાલજ ગામમાં નાગણેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. આજે સવારના અરસામાં બે યુવાનો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. લાંબા સમય સુધી મંદીરમાં રોકાતા પૂજારી કિરણભાઈ બળદેવજી ઠાકોરને તેમની પ્રવૃતિ શંકાસ્પદ લાગી હતી. જેથી મંદિરમાં જઈને જોતાં આ બંને ઇસમો તેમના ખિસ્સામાં માતાજીના છત્ર મુકી રહયા હતા. જેથી બંને પકડી પાડયા હતા અને ગામના અન્ય લોકોને ત્યાં બોલાવી લીધા હતા. ૮૫ હજારની કિંમતના આ છત્ર સાથે બંને યુવકોને પકડી ચિલોડા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ આ બંને યુવાનોને લઈ ગઈ હતી અને પુછપરછમાં બાપુનગરમાં રહેતા અતુલ પ્રવિણભાઈ સોની અને ભુપત જીવરાજભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પુજારીની ફરિયાદના આધારે પોલીસે આ બંને ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. આ યુવાનો મંદિરમાં કેવી રીતે આવ્યા હતા અને પહેલા પણ કોઈ તસ્કરીમાં સંડોવાયેલા છે કે નહીં તે જાણવા પોલીસે મથામણ શરૂ કરી છે.