અમદાવાદ, હાલમાં ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો લેવાના બે અલગ અલગ બનાવમાં નવરંગપુરામાં ઓફિસમાં સટ્ટો લઈ રહેલા શંકુની પોલીસે અટકાયત કરીને રૂ.૫૬,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ક્રાઈમ બ્રાંચે કુબેરનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો લઈ રહેલા ત્રણ શંકુને પકડી પાડીને રૂ.૩૨,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નવરંગપુરામાં સી.જી.રોડ સ્થિત સમુદ્ર બિલ્ડીંગના સાતમા માળે આવેલી ઓફિસમાં આઈપીએલની રાજસ્થાન રોયલ્સ અને ચેનાઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો લેવાતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને આધારે નવરંગપુરા પોલીસે અહીં રેડ પાડીને પાલડીમાં રહેતા પ્રતિક જે.શાહ(૩૭)ની અટકાયત કરી હતી. પુછપરછમાં તેણે સેટેલાઈટમાં રહેતા તેજસ ગોસ્વામીના જણાવ્યા અનુસાર લેપટોપ દ્વારા રન ટુ ફોર સેવન સોફ્ટવેરથી ક્રિકેટ સટ્ટો લઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે તેજસ ગોસ્વામી સામે પણ ગુનો દાખલ કર્યો હતો. અહીંતી પોલીસે રોકડ રકમ, લેપટોપ અને મોબાઈલ મળીને રૂ.૫૬,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અન્ય બનાવમાં ક્રાઈમ બ્રાંચે કુબેરનગરમાં ફેની પુલ પેલેસમાં રેડ પાડીને આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો લેતા ત્રણ શંકુની અટકાયત કરી હતી. જેમાં કુબેરનગરના પ્રદીપ આર.પીરાની, સૈજપુર બોઘાના રોશન કે.ધોલાની અને કુબેરનગરના વિજય બી.ધરવાનીનો સમાવેશ થાય છે. તેમની પાસેથી પોલીસે મોબાઈલ, ટીવી અને રોકડ રકમ મળીને રૂ.૩૨,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે વેબસાઈટ અને આઈડી આપનારા જીતુ થરાદ અને મોહીત વાધવાની વિરૃધ્ધ ગુનો નોંધીને તેમની શોધખોળ શરૂ કરી છે.