વડોદરા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ઘરફોડ અને વાહન તસ્કરી કરતાં બે શખ્સોને વારસીયા પોલીસે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે વારસીયા પોલીસે મળેલી બાતમીના આધારે ફતેપુરા ચાર રસ્તા પાસેથી બાઇક લઇને જતા રાજેન્દ્રસીંગ ઉર્ફે રાજીસીંગ માનસીંગ ટાંક અને વિજય ઉર્ફે સૂકેલી રમણભાઇ બારિયા(બંને રહે. ભૂંડવાડા વારસીયા)ને શકમંદ હાલતમાં પકડી પાડયા હતા. બંને પાસેથી બે મોબાઇલ ફોન તથા તસ્કરી કરવા માટે વપરાતા સાધનો જેવા કે પકડ, સ્ક્રૂડ્રાઇવર, તલવાર, છરી મળી આવ્યા હતા. વારસીયાના પોલીસ કોન્સ્ટેબલ સંદિપભાઇએ હાલ ઘરેથી પ્રાથમિક પૂછપરછ દરમિયાન બન્નેએ શહેરના સયાજીગંજ અને સમા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ તસ્કરી તથા કારેલીબાગ અને બાપોદ પોલીસ સ્ટેશનમાં તસ્કરીના ગુનાઓ કર્યા હોવાનું કબૂલ્યું હતું.