અમદાવાદ : આજે બપોરના અરસામાં પીરાણા જતાં સુએજ ફાર્મ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરની ટક્કરે બે યુવકના કરૂણ મૃત્યુ નીપજ્તાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પલ્સર બાઇક પર પોતાના મિત્રને લઇને પોતાના પિતાને ટિફિન આપવા જઇ રહેલા શખ્સને અમ્યુકોના ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી, જેમાં બંને શખ્સો ડમ્પર નીચે કચડાઇ ગયા હતા અને અકાળે મોતને ભેટયા હતા. બંને શખ્સોની રસ્તા પર પડેલી લાશ પર સફેદ કલરનું કપડું ઢાંકી દેવાયું હતું. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. બંને શખ્સોની લાશને લઇ સૌકોઇમાં ભારે અરેરાટી અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી તો, ડમ્પર ચાલક વિરૂધ્ધ સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો. આ બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, પલ્સર બાઇક પર શખ્સ પોતાના પિતાને ટિફિન આપવા જઈ રહ્યાં હતા અને બાઇક પર તેની સાથે તેનો મિત્ર પણ બેઠેલો હતો એ દરમ્યાન સુએજ ફાર્મ નજીક અચાનક અમ્યુકોના ડમ્પર ચાલકે તેનું વાહન ગફલતભરી રીતે હંકારી બાઇકને હડફેટે લીધી હતી, જેમાં બંને યુવકો ડમ્પરની નીચે આવી જતાં ચગદાઇ ગયા હતા. ગંભીર ઇજાઓ થવાના કારણે બંને શખ્સોનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજયું હતું. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને અમ્યુકોના ડમ્પર ચાલક વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.