માંજલપુરમાં રેલવેના નિવૃત કર્મીના મકાનમાંથી ૭ તોલા દાગીનાની તસ્કરી

માંજલપુરમાં રહેતાં રેલવેના નિવૃત કર્મચારીએ મકાનમાંથી રૂ. ૨.૩૭ લાખની કિંમતના સોનાના દાગીનાની તસ્કરી થવાના કેસમાં પુત્ર પર જ શંકાની સોય તાકી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. માંજલપુરની શિવકૃપા સોસાયટીમાં રહેતાં ૬૦ વર્ષીય રાજુભાઈ મફતભાઈ મિસ્ત્રી અત્રેના પ્રતાપનગર રેલવે વર્કશોપમાંથી ગત માર્ચ મહિનામાં જ નિવૃત થયા છે. તેમણે માંજલપુર પોલીસ સ્ટેશને લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પત્નીનું ૬ વર્ષ પહેલા અવસાન થતાં હું પુત્ર અમર અને સાગર સાથે રહું છું. ફેબ્રુઆરી તથા માર્ચ-૨૦૧૭માં મેં ફતેપુરા શ્રી મહાલક્ષ્‍મી જ્વેલર્સમાંથી સાડા ચાર તોલા વજનના બે સોનાના સેટ, સોનાની બે લક્કી, સોનાની બે વીંટી અને ચેઈન મળી કુલ રૂ. ૨.૩૭ લાખની કિંમતના આભૂષણો ખરીદ કર્યા હતા. આ દાગીના મેં ઘરમાં તિજોરીની અંદર મુક્યા હતા. ચાર મહિના પહેલા મેં તિજોરીમાં ચેક કરતાં દાગીના સલામત હતા. ત્યારબાદ તા.૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ પુત્ર અમર મારી સાથે ઝઘડો કરી ક્યાંક જતો રહ્યો હતો. જેથી અમે તેની શોધખોળ કરતાં કોઈ સગડ મળ્યાં નહતા. તે પછી શુક્રવારે તિજોરીમાં તપાસ કરતાં દાગીના ગાયબ હતા. આ દાગીના મારો પુત્ર અમર તસ્કરી કરીને લઈ ગયો હોવાની શંકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *