જામનગર-રાજકોટ હાઇવે પર સોયલ ટોલ નાકા નજીક એક સ્ટોરરૂમમાંથી પોલીસે 93 નંગ અંગ્રેજી દારૂની બોટલો જપ્ત કરી ટોલ નાકાના સિક્યોરોટી ગાર્ડની અરલ કરી છે. આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય ત્રણ ઇસમોને ફરાર જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે. જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ પાસે સોયલ ટોલ નાકાની બાજુમાં પાર્કિંગ એરિયા નજીક આવેલા એક સ્ટોરરૂમમાં અંગ્રેજી દારૂની બોટલોનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની અને ત્યાંથી તેની હેરાફેરી કરી ખાનગીમાં વેચાણ થતું હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે સાંજના અરસામાં રેડ પાડી હતી. રેડની આ તપાસ દરમિયાન સ્ટોરરૂમમાંથી 93 નંગ અંગ્રેજી દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી, પોલીસે રૂ. 46,500ની કિંમતના અંગ્રેજી દારૂના જથ્થા ઉપરાંત મોટર સાયકલ મળી કુલ રૂ. 66,500 ની મતા જપ્ત કરી હતી અને ટોલનાકામાં જ સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અમન યુસુફ વાઘેર નામના ઇસમની અટકાયત કરી છે. પોલીસે ઉપરોક્ત દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા દિવ્યારાજસિંહ ઉર્ફે ભાણું, કિરીટસિંહ સરવૈયા અને રાજદીપસિંહ ધનશ્યામસિંહ સોઢાને ફરાર જાહેર કર્યા છે અને તેઓને પકડી લેવા શોધખોળ હાથ ધરી છે.