નખત્રાણા તાલુકાના નલિયા રસ્તા પર આવેલા મંગવાણા ગામે સોમવારના રાત્રિના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા. એક સ્ટુડીયો અને એક કરિયાણાની દુકાનોને નિશાન બનાવી પોણા લાખાની રોકડ રકમની તસ્કરી કરી જતાં નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મંગવાણા ગામે પોલીસ ચોકીથી સ્ટુડીયો 100મીટરના અંતરે આવેલો છે અને કરિયાણાની દુકાન ગામની અંદર આવેલી છે. તેમ છતાં તસ્કરોએ કોઇ પણ ખોફ વગર તસ્કરીનો મનશુબો પાર પાડી ગયા હતા. મંગવાણા રસ્તા પર આવેલા મોમાય ડીજીટલ સ્ટુડીયોમાંથી તસ્કરોએ 65 હજારનો કેમેરો અને 7 હજાની હર્ડ ડીસ્કની તસ્કરી કરી ગયા હતા. જ્યારે ગામની અંદર આવેલી પરેશ જનરલ સ્ટોર્સમાંથી 700 રૂપિયાની ચીજવસ્તુ અને પરચુરણ ઉઠાવી ગયા હતા. સ્ટુડીયોના માલિક રમેશભાઇ સેખા અને પરેશ જનરલ સ્ટોર્સના માલિક અતુલભાઇએ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં તસ્કરી થયા અંગે ફરિયાદ લખાવી છે. નખત્રાણા પોલીસે સ્થળ પર આવી પંચનામા સહિતની તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે મંગવાણામાં ચકચાર મચી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.